ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ૦૭ મે ૨૦૨૪ ના રોજ લોકસભા ચૂંટણી સાથે રાજ્યમાં વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયામાં પેટા ચૂંટણી માટે પણ મતદાન થશે

ગુજરાતમાં પાંચ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે, ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને જ તેમની બેઠક પરથી મેદાનમાં ઉતારવાની યોજના બનાવી. જેમાં વિજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લડાણી, ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર વાઘેલાને મેદાનમાં ઉતારશે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ ની જાહેરાત થઈ ચુકી છે. ચૂંટણી પંચે ૦૭ મે ૨૦૨૪ ના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાત માટે લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કર્યું છે. આ સાથે ૦૭ મે ૨૦૨૪ એ ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાશે.
ભાજપના પાંચે ઉમેદવાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા
ભાજપે જે પાંચ ઉમેદવાર વિજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લડાણી, ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર વાઘેલાના નામની જાહેરાત કરી છે, તે બધા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વિસાવદર બેઠક પણ ભૂપત ભાયાણી દ્વારા રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી ચૂંટણી પંચે આ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી ન હતી.
ભાજપે ચાર રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારના નામ જાહેર કર્યા
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. શનિવારે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની સાથે હિમાચલ પ્રદેશની છ વિધાનસભા સીટો પર થનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ સિવાય કર્ણાટકની એક અને બંગાળની બે સીટ પર ચૂંટણી યોજાશે.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીની તારીખ
ચૂંટણી પંચે ૧૩ રાજ્યો જેમાં બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા. હિમાચલ પ્રદેશે, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુમાં પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચ અનુસાર, જે રાજ્યની જે તબક્કામાં લોકસભા ચૂંટણી હશે, એજ સમયે પેટા ચૂંટણી માટે સાથે જ મતદાન કરવામાં આવશે. એટલે કે ત્રીજા ફેજમાં ૭ મે ૨૦૨૪ ના દિવસે જ ગુજરાતની પાંચ ખાલી વિધાનસભા બેઠકો માટે મતદાન થશે