અમેરિકાના બાલ્ટીમોરમાં જહાજની ટક્કરથી બ્રિજ ધરાશાયી થયો

અમેરિકાના બાલ્ટીમોરમાં એક કાર્ગો શિપના અથડાવાથી ‘ફ્રાન્સિસ સ્કોટનો બ્રિજ’ તૂટી ગયો. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે અમેરિકાના સમય પ્રમાણે રાત્રે લગભગ અઢી વાગ્યે શિપ અથડાવાથી બ્રિજ ધરાશાયી થયો. તે પછી તેમાં આગ લાગી ગઈ અને શિપ ડૂબી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, બ્રિજ ધરાશાયી થયા બાદ તેઓ લગભગ ૭ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિજ ધરાશાયી થવાને કારણે તેના પર ચાલી રહેલી ગાડીઓ નદીમાં ખાબકી હતી. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ જણાવ્યું કે, બ્રિજ પર દુર્ઘટના બાદ બંને તરફની તમામ લેન બંધ કરીને ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યો છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, સિંગાપોરના ધ્વજવાળા આ જહાજનું નામ ‘ડાલી’ છે અને તે શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. આ જહાજ ૯૪૮ ફૂટ લાંબું હતું. ડાલી જહાજની માલિકી ધરાવતી કંપનીએ કહ્યું કે, જહાજ પર હાજર બે પાઇલટ સહિત બધા જ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. તેઓ ઘાયલ થયા નથી. જહાજ અને પુલ વચ્ચે અથડામણનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જહાજના માલિક અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ફ્રાન્સિસ કી બ્રિજ ૧૯૭૭ માં પટાપ્સકો નદી પર બનાવવામાં આવ્યો હતો. તેનું નામ અમેરિકાનું રાષ્ટ્રગીત લખનાર ફ્રાન્સિસ સ્કોટ કીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *