કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ AAP-કોંગ્રેસ પર સાધ્યું નિશાન.
દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ધરપકડ કર્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત I.N.D.I. ગઠબંધનના નેતાઓ સતત કેન્દ્ર સરકાર પર આંગળી ચીંધી રહ્યા છે, તો બીજીતરફ ભાજપના ઘણા નેતાઓ પણ વિપક્ષના આક્ષેપનો વળતો જવાબ આપી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી એ પણ જેલમાં બંધ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કેજરીવાલની પત્ની પર સાધ્યું નિશાન
કેન્દ્રીય મંત્રીએ દિલ્હીમાં મીડિયાને સંબોધતા કહ્યું કે, ‘કેજરીવાલની ખુરશી જવી હવે સમયની વાત છે અને મેડમ તે ખુરશી પર બેસવાની તૈયારી કરી રહ્યા છે. કેજરીવાલના પત્ની માત્ર રેવન્યુ સર્વિસમાં કર્મચારી હતા, હવે તેમણે બધાને બાજુએ મુકી દીધા છે. હવે તેઓ કદાચ ટોચના પદ પર બેસવાની તૈયારી કરી રહ્યા છે.’
EDએ નવ નોટિસ મોકલી, જવાબ ન આપ્યો : કેન્દ્રીય મંત્રી
હરદીપ સિંહ પુરીએ વધુમાં કહ્યું કે, ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેજરીવાલને નવ વખત સમન્સ પાઠવ્યું હતું, તેમ છતાં તેમણે જવાબ આપ્યો નથી. ત્યારબાદ ઈડીના અધિકારીઓ તેમના ઘરે ગયા. કેજરીવાલનો સમય ખુબ જ સીમિત છે.’ ઉલ્લેખનીય છે કે, દિલ્હી લિકર પોલિસીમાં કથિત મની લોન્ડ્રિંગના આરોપમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. આ પોલિસી રદ કરી દેવામાં આવી છે. કેજરીવાલની ઈડી કસ્ટડી ગઈકાલે વધુ ચાર દિવસ વધારવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસની પણ ટીકા કરી
હરદીપ સિંહ પુરીએ ટેક્સ મામલે નોટિસનો વિરોધ કરતી કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, ‘તમામ લોકોએ ટેક્સ રિટર્ન ભરવું પડશે. તેમની (કોંગ્રેસ)ની આવક માત્ર વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ટેક્સ નોટિસને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી, જોકે કોર્ટે અરજી નામંજૂર કરી દીધી હતી. તેના એક દિવસ બાદ આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૦-૨૧માં ટેક્સ ન ભરવા મામલે કોંગ્રેસને ૧૭૦૦ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી હતી, જેમાં દંડ અને વ્યાજ પણ સામેલ છે.