હેલ્થ એક્સપર્ટ્સના મતે અખરોટનું સેવન કરવાથી મગજને ઉર્જા મળે છે, યાદશક્તિ મજબૂત થાય છે અને એકાગ્રતામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

ડ્રાયફ્રૂટનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક રહે છે. ડ્રાયફ્રૂટ્સમાં પણ અમુક સુકામેવા સુપરફૂડ્સ જેવા હોય છે. ડ્રાયફ્રૂટમાં અખરોટ અત્યંત ઉત્તમ વસ્તુ છે જે સ્વાસ્થ્ય પર જાદુઈ અસર કરે છે. અખરોટનું સેવન મગજના સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. ન્યૂટ્રિશનિસ્ટ પૂજા પાલરીવાલાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે કે અખરોટ મગજની તંદુરસ્તી સુધારે છે અને યાદશક્તિને મજબૂત બનાવે છે.
અખરોટના પોષકતત્વ
અખરોટમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર અખરોટનું સેવન દરરોજ સવારે ખાલી પેટે કરવામાં આવે તો યાદશક્તિ મજબૂત થાય છે. અખરોટનું સેવન મગજની કામગીરીને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. દરરોજ અખરોટનું સેવન કરવાથી મગજને ઉર્જા મળે છે, યાદશક્તિ મજબૂત થાય છે અને એકાગ્રતામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
હૈદરાબાદની એપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડો.સુધીર કુમારે જણાવ્યું છે કે અખરોટ અને મગજની કામગીરી વચ્ચે ઊંડો સંબંધ છે. અખરોટ જ્ઞાન, યાદશક્તિ, ધ્યાન અને એકાગ્રતામાં સુધારો કરે છે. માનવીઓ પર કરવામાં આવેલા ઘણા સંશોધનો અનુસાર અખરોટનું સેવન કરવાથી ડિમેંશિયાની બીમારીની સારવાર થાય છે. અખરોટનું સેવન કરવાથી સામાન્ય જ્ઞાનાત્મક ક્ષતિ થી ડિમેંશિયાની ગતિને ધીમી કરી શકાય છે. અખરોટના સેવનથી મૂડ સુધરે છે અને ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે રોજ ખાલી પેટે ૫ થી ૭ અખરોટ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
મગજના સ્વાસ્થ્ય માટે અખરોટનું સેવન કેવી રીતે કરવું?
મગજને સ્વસ્થ રાખવા માટે, અખરોટને દરરોજ પાણીમાં પલાળી રાખો. તમે અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો છો અને બીજા દિવસે સવારમાં પલાળેલા અખરોટનું સેવન કરો છો. સવારની જગ્યાએ સાંજે પલાળેલા અખરોટનું સેવન કરવું હોય તો તમે પણ કરી શકો છો. હેલ્થ એક્સપર્ટ્સના મતે લોકોને શેકેલા અખરોટ ખાવા ગમે છે, જોકે શેકેલા અખરોટમાં પોષકતત્વો ઓછા હોય છે.

અખરોટ ના સેવનમાં આટલું ધ્યાન રાખો
ન્યુટ્રિશનિસ્ટ અને ન્યુટ્રાસી લાઈફસ્ટાઈલના સ્થાપક ડો.રોહિણી પાટીલે જણાવ્યું હતું કે જો તમે ખાલી પેટે અખરોટનું સેવન કરતા હોવ તો તેના સંભવિત જ્ઞાનાત્મક ફાયદા વધારી શકાય છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે અખરોટ ખૂબ જ ફાયદાકારક છે પરંતુ જો તેનું સેવન મર્યાદિત હોય તો તે વધુ સારું છે.
અખરોટમાં કેલેરી અને ફેટ વધારે હોય છે, તેનું વધુ સેવન કરવાથી વજન વધી શકે છે. અખરોટથી લાભ મેળવવા માટે તમારે સારી ક્વોલિટીના અખરોટ ખાવા જોઈએ. જો તમે કેમિકલ્સ અને પેસ્ટિસાઇડ્સ સામે રક્ષણ મેળવવા માંગતા હો, તો તમે ઓર્ગેનિક અખરોટ ખરીદો. અખરોટ પોષકતત્ત્વોથી ભરપૂર ડ્રાયફ્રૂટ્સ છે જે યાદશક્તિ અને મગજની કામગીરીમાં સુધારો કરે છે.