ઈન્કમ ટેક્સની નોટિસ મળવા પર ભડક્યા રાહુલ ગાંધી

આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને ૧૭૦૦ કરોડ રૂપિયાની વસૂલી માટે નોટિસ મોકલી. આ નોટિસ વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૦-૨૧ માટે મોકલવામાં આવી હતી.

લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આવકવેરા વિભાગની નોટિસ મળી છે. તે નોટિસને લઈને ઉગ્ર રાજકારણ શરૂ થયું છે, તેને કોંગ્રેસ દ્વારા ષડયંત્ર ગણાવવામાં આવી રહ્યું છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખુલ્લી ચેતવણી આપવાનું કામ કર્યું છે. લોકતંત્રનું ચીરહરણ કરનાર સામે પગલાં લેવામાં આવશે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાહુલ ગાંધીએ લખ્યું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકતંત્રનું ચીરહરણ કરનાર લોકો સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે! અને એવી કાર્યવાહી થશે કે આ બધુ ફરીથી કરવાની કોઇ હિંમત નહીં કરે. આ મારી ગેરંટી છે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે તેની યુવા વિંગના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ હવે જ્યારે આ આવકવેરાની નોટિસ આવી ત્યારે રાહુલે ભાજપને ખુલ્લો પડકાર આપ્યો છે.

રાહુલ ગાંધીએ ગેરંટી શબ્દનો ઉપયોગ કર્યો

મોટી વાત એ છે કે રાહુલ ગાંધીએ ગેરંટી શબ્દનો ઉપયોગ કર્યો છે. ભાજપની ‘મોદી ગેરંટી’નો કાઉન્ટર શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાહુલે હેશટેગ ભાજપ ટેક્સ ટેરરિઝમનો પણ ઉપયોગ કર્યો છે. એટલે કે નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન છે કે વિપક્ષને ફસાવવા માટે ઇન્કમટેક્સ વિભાગનો ઉપયોગ કરી રહી છે.

આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો

જાણકારી માટે જણાવી દઈએ કે આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને ૧૭૦૦ કરોડ રૂપિયાની વસૂલી માટે નોટિસ મોકલી હતી. આ નોટિસ વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૦-૨૧ માટે મોકલવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં ટેક્સ, પેનલ્ટી અને વ્યાજ પણ ઉમેરવામાં આવ્યા હતા. આના પર તપાસ એજન્સીને એટલા માટે પણ બળ મળ્યું કારણ કે દિલ્હી હાઈકોર્ટે પણ કોંગ્રેસની એક અરજી ફગાવી દીધી હતી.

દિલ્હી હાઈકોર્ટની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે કોંગ્રેસના ખાતામાં ઘણા બિનહિસાબી વ્યવહારો થયા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ પાસે તેમની પુનર્મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ કરવા માટે મજબૂત પુરાવા છે. તેના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *