રાહુલ ગાંધીએ ઇવીએમ, મેચ ફિક્સિંગ, સોશિયલ મીડિયા અને મીડિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે દબાણની રાજનીતિ વગર ભાજપ ૧૮૦ સીટો પણ જીતી શકે નહીં.

લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનના તમામ મોટા નેતાઓ દિલ્હીના રામલીલા મેદાનમાં ભેગા થયા હતા. જ્યાં વિપક્ષોએ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો અને કોંગ્રેસના બેંક ખાતા બંધ કરવાનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ લોકસભાની ચૂંટણીને ‘મેચ ફિક્સ’ કરીને લડવા માંગે છે. આ રેલીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ સિવાય વિપક્ષના બધા મોટા નેતાઓએ પણ ભાષણ આપ્યા હતા.
‘મેચ ફિક્સ’ કેમ કહી?
રાહુલ ગાંધીએ ઇવીએમ, મેચ ફિક્સિંગ, સોશિયલ મીડિયા અને મીડિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે દબાણની રાજનીતિ વગર ભાજપ ૧૮૦ સીટો પણ જીતી શકે નહીં. આઈપીએલનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આઈપીએલની મેચો આજે થઈ રહી છે. જ્યારે અમ્પાયરો પર દબાણ કરવામાં આવે છે, ખેલાડીઓ ખરીદવામાં આવે છે અને કેપ્ટનોને મેચ જીતવાની ધમકી આપવામાં આવે છે, ત્યારે તેને ક્રિકેટમાં મેચ ફિક્સિંગ કહેવામાં આવે છે. આપણી સામે લોકસભાની ચૂંટણી છે. અમ્પાયરોની પસંદગી પીએમ મોદીએ કરી હતી. અમારી ટીમના બે ખેલાડીઓની મેચ પહેલા જ ધરપકડ કરવામાં આવી છે.
કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે અને ચૂંટણીની વચ્ચે અમારા બધા બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. અમારે પ્રચાર કરવાનો છે, કાર્યકરાને રાજ્યોમાં મોકલવાના છે, પોસ્ટર લગાવવાના છે પરંતુ અમારા બધા બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. આ કેવી ચૂંટણી છે.
અખિલેશ યાદવે શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે હું આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ અને કાર્યકરોનો આ ‘લોકશાહી બચાવો’ રેલીનું આયોજન કરવા બદલ આભાર માનું છું. આજે જ્યારે આપણે બધા અહીં ભેગા થયા છીએ ત્યારે અહીંથી જાહેરાત થવાની છે કે દિલ્હીમાં બેઠેલા શાસકો અહીં વધુ સમય સુધી નહીં રહે. આ લોકો (ભાજપ) ‘૪૦૦ પાર’નો નારો આપી રહ્યા છે. જો તેઓ ૪૦૦થી વધુ બેઠકો જીતી રહ્યા છે, તો તેઓ આટલા ગભરાયેલા કેમ છે? શા માટે બે મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવાયા?
આપ પાર્ટીની ૬ ગેરંટી
૧ સમગ્ર ભારત ભરમાં ૨૪ કલાક વીજળી આપીશું ૨ અમે સમગ્ર દેશમાં ગરીબોને મફત વીજળી આપીશું ૩ દરેક ગામ, વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળા બનાવીશું, મફત સારવાની વ્યવસ્થા કરીશું ૪ દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવીશું5 ખેડૂતોને તેમના પાકના ભાવ સ્વામીનાથન કમિશન મુજબ આપીશું ૬ દિલ્હીના લોકોને તેમના હક્કો અપાવીશું, દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું