શિવસેના યુબીટીએ સાંગલી બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને કોંગ્રેસે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી પર હજુ પણ ઘણા પેંચ ફસાયેલા છે. અહીં બેઠકોની વહેંચણી પર સૌથી મોટો ટકરાવ ઇન્ડિયા ગઠબંધનના પક્ષ કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) વચ્ચે છે અને એક બેઠક પર વિવાદ એટલો વધી ગયો કે રાજ્યના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ તો ત્યાં સુધી કહી દીધું કે હવે સીટોની વહેંચણી પર વાત ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં થશે. કોંગ્રેસ ઉદ્ધવ જૂથના આ વલણથી નારાજ છે.
શિવસેના યુબીટીએ સાંગલી બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને કોંગ્રેસે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીના મુદ્દે કહ્યું છે કે હવે પછીની બેઠકોની વહેંચણીની વાતચીત મહારાષ્ટ્રમાં ૨૦૨૯માં જ યોજાશે. તેમના આ નિવેદનનો અર્થ સ્પષ્ટ છે કે હવે ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે પીછેહઠ કરવા તૈયાર નથી.
સાંગલીથી સેના (યુબીટી)ના ઉમેદવાર જાહેર થવા પર કોંગ્રેસે નારાજગી નોંધાવી
સાંગલીથી સેના (યુબીટી)ના ઉમેદવાર જાહેર થવા પર કોંગ્રેસે નારાજગી નોંધાવી છે. આ સિવાય જ્યારે મુંબઈમાં દક્ષિણ મધ્ય મુંબઈ લોકસભા બેઠક પર ચર્ચા થઈ રહી હતી તે સમયે, શિવસેના (યુબીટી) એ દાવો કર્યો છે કે સાંગલી બેઠક પર કોઈ ચર્ચા થઈ નથી. શિવસેના યુબીટીએ આ બેઠક પરથી ચંદ્રહાર પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે સાંગલી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વસંતદાદા પાટીલના પૌત્ર વિશાલ પાટીલને ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આ બેઠક પર ગઠબંધનના બંને પક્ષો વચ્ચે ફ્રેન્ડલી ફાઇટ જોવા મળશે.
ભાજપ સાથે પણ થઈ હતી ખેંચતાણ
આવી સ્થિતિમાં સીટોની વહેંચણીને લઈને મચેલા ઘમાસાણના કારણે સવાલ ઉઠી રહ્યા છે કે શું ઇન્ડિયા ગઠબંધનમાં બધુ ઠીક છે કે નહીં. ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું કે મહા વિકાસ આઘાડી (એમવીએ)ની અંદર બેઠકોની વહેંચણીની વાતચીતમાં કોઈ વિવાદ નથી. જ્યારે અમે ભાજપ સાથે હતા ત્યારે છેવટ સુધી ખેંચતાણ ચાલતી હતી, પરંતુ જ્યારે તે નક્કી થયું ત્યારે અમે સાથે મળીને લડ્યા હતા.
ભાજપ પર આકરા પ્રહારો કર્યા
પોતાના સંબોધન દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ અજીત પવાર પર કટાક્ષ કરતા કહ્યું કે પાર્ટીના તમામ ચોરોએ હવે ભાજપ સાથે હાથ મિલાવી લીધા છે. આ (ભાજપ) પાર્ટીના મંચ પર આજકાલ કોણ દેખાય છે? પ્રફુલ્લ પટેલ, અજિત પવાર, જનાર્દન રેડ્ડી, નવીન જિંદાલ અને સરથ રેડ્ડી પર કોણે આરોપ લગાવ્યા હતા? હવે તેઓ ક્યાં છે? તેથી જ તે ભ્રામક જનતા પાર્ટી છે.
ઉદ્ધવ ઠાકરેએ ભલે ઇન્ડિયા ગઠબંધનની મજબૂતીની જાહેરાત કરી હોય, પરંતુ તેમના તેવર અને સાંગલી બેઠક પર રકઝકે ગઠબંધનમાં એક તિરાડ પાડી છે, જેના પરિણામો આગામી સમયમાં જોવા મળી શકે છે.