વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારતની જનતાને જાણવાનો અધિકાર છે કે, કચ્ચાથીવુ ટાપુ અંગે શું થયું? તેમણે કહ્યું કે, ૧૯૭૪ માં કોંગ્રેસે શ્રીલંકા સાથે એક દરિયાઈ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં શ્રીલંકાને કચ્ચાથીવુ આપવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણી વચ્ચે કચ્ચાથીવુને લઈને હોબાળો ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આ અંગે કોંગ્રેસ અને ડીએમકે પર પ્રહારો કર્યા હતા. આ પછી આ મામલે રાજકારણ ગરમાઈ ગયું છે. સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને કચ્ચાથીવુ ટાપુને લઈ માહિતી આપી હતી.
૨૦ વર્ષમાં શ્રીલંકાએ ૬૧૮૪ ભારતીય માછીમારોની અટકાયત કરી
વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતની જનતાને જાણવાનો અધિકાર છે કે, કચ્ચાથીવુ અંગે શું થયું? તેમણે કહ્યું કે, ૧૯૭૪ માં ભારત અને શ્રીલંકાએ એક દરિયાઈ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં શ્રીલંકાને કચ્ચાથીવુ આપવામાં આવ્યું હતું. માહિતી આપતા એસ જયશંકરે કહ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં શ્રીલંકાએ ૬૧૮૪ ભારતીય માછીમારોની અટકાયત કરી છે. શ્રીલંકાએ ૧૧૭૫ બોટ જપ્ત કરી છે.
આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે જાણવાનો જનતાને અધિકાર : વિદેશ મંત્રી
એસ જયશંકરે તમિલનાડુ સરકાર ડીએમકે પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ડીએમકેએ આ બાબતને એવી રીતે લીધી છે કે, જાણે તેમની કોઈ જવાબદારી નથી. ૧૯૭૪ માં થયેલા કરારને પુનરાવર્તિત કરતા જયશંકરે કહ્યું કે, તે વર્ષે ભારત અને શ્રીલંકા વચ્ચે કરાર થયો હતો. બંને દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. તે પછી તત્કાલીન કોંગ્રેસ સરકારે દરિયાઈ સીમા દોરી અને દરિયાઈ સીમા દોરતી વખતે સરહદની શ્રીલંકાની બાજુએ કચ્ચાથીવુ મૂકવામાં આવ્યું હતું. જયશંકરે વધુમાં કહ્યું કે, અમને ખબર છે કે આ કોણે કર્યું, એ ખબર નથી કે કોણે છુપાવ્યું. અમારૂ માનવું છે કે, આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે જાણવાનો જનતાને અધિકાર છે.
કચ્ચાથીવુ ટાપુ ક્યાં આવેલો છે?
તે ભારત અને શ્રીલંકાના દક્ષિણ છેડા વચ્ચે જમીનનો નાનો ટુકડો છે પરંતુ તેનું મહત્વ ઘણું છે. ૧૯૭૪ સુધી, કચ્ચાથીવુ ભારતનો એક ભાગ હતો પરંતુ, શ્રીલંકાએ પણ આ ટાપુ પર પોતાનો દાવો જાળવી રાખ્યો હતો. ટાપુ, નેદુન્તીવુ, શ્રીલંકા અને રામેશ્વરમ (ભારત) વચ્ચે સ્થિત છે અને પરંપરાગત રીતે શ્રીલંકાના તમિલો અને તમિલનાડુના માછીમારો દ્વારા આ ઉપયોગમાં લેવાય છે.
ઈન્દિરા ગાંધીએ કચ્ચાથીવુ ટાપુની માલિકી શ્રીલંકાને સોંપી દીધી
૧૯૭૪ માં, ભારત સરકાર અને શ્રીલંકા સરકાર વચ્ચેના કરાર પછી, ભારત સરકારે કચ્ચાથીવુ ટાપુની માલિકી શ્રીલંકાને સોંપી દીધી. ૧૯૭૪ માં તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો બંદરનાઈકે સાથે સંધિ પર હસ્તાક્ષર કર્યા અને કચ્ચાથીવુ શ્રીલંકાનું બન્યું.
કચ્ચાથીવુ ટાપુનો ઇતિહાસ શું છે?
કચ્ચાથીવુ એ પાલ્ક સ્ટ્રેટમાં દરિયાકિનારે એક નિર્જન ટાપુ છે. એવું કહેવાય છે કે, આ ટાપુ ૧૪ મી સદીમાં જ્વાળામુખી ફાટવાના કારણે બન્યો હતો. બ્રિટિશ શાસન દરમિયાન, ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે ૨૮૫ એકર જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કચ્ચાથીવુ ટાપુ રામનાથપુરમના રાજા હેઠળ હતો અને બાદમાં મદ્રાસ પ્રેસિડેન્સીનો ભાગ બન્યો. ૧૯૨૧ માં ભારત અને શ્રીલંકા બંનેએ માછીમારી માટે આ જમીન પર દાવો કર્યો અને વિવાદ વણઉકેલ્યો રહ્યો. ભારત આઝાદ થયું ત્યારે ભારતે અગાઉના વિવાદને ઉકેલવાના પ્રયાસો કર્યા હતા.
કરાર ૧૯૭૪ માં થયો હતો
બંને દેશોના માછીમારો લાંબા સમયથી એકબીજાના જળસીમામાં કોઈપણ વિવાદ વગર માછીમારી કરી રહ્યા છે. પરંતુ વિવાદ ત્યારે થયો જ્યારે બંને દેશોએ ૧૯૭૪-૭૬ વચ્ચે દરિયાઈ સીમા કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર ભારત અને શ્રીલંકા વચ્ચેની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નક્કી કરે છે. જોકે આ પછી પણ વિવાદ શમ્યો નથી. ૧૯૯૧ માં, તમિલનાડુ એસેમ્બલીએ ટાપુ પરત કરવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો. ૨૦૦૮ માં, તત્કાલિન સીએમ જયલલિતા કેન્દ્રને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા અને કચ્ચાથીવુ ટાપુ અંગેના કરારને અમાન્ય જાહેર કરવાની અપીલ કરી.