શ્રીલંકાના મંત્રી જીવન થોન્ડમન: “જ્યાં સુધી શ્રીલંકાની વાત છે, કચ્ચાથીવુ ટાપુ શ્રીલંકાની હદમાં આવે છે. શ્રીલંકા સાથે નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ ખૂબ સરસ છે. હજી સુધી, ભારત તરફથી કચ્ચાથીવુ ટાપુ શ્રીલંકા પાસેથી પરત લેવા બાબતે કોઈ સત્તાવાર સંવાદ કરવામાં આવ્યો નથી.

કચ્ચાથીવુ ટાપુ વિવાદ વકરી રહ્યો છે. શ્રીલંકાના વરિષ્ઠ મંત્રીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ભારત સરકારે હજી સુધી કચ્ચાથીવુ ટાપુ મુદ્દે કોઈ સત્તાવાર સંદેશ મોકલ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપે કોંગ્રેસ અને ડીએમકે પર આ ટાપુ આપવાનો આરોપ લગાવતા તેના પર હુમલો કર્યો હતો. બીજેપી તમિલનાડુના વડા કે અન્નામલાઈએ દાવો કર્યો કે, કેન્દ્ર સરકાર તે પ્રદેશને ફરીથી પાછો મેળવવા માટે શક્ય તેટલા પગલાં ભરી રહ્યા છે.
શ્રીલંકાના મંત્રી જીવન થોન્ડમને ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “જ્યાં સુધી શ્રીલંકાની વાત છે, કચ્ચાથીવુ ટાપુ શ્રીલંકાની હદમાં આવે છે. શ્રીલંકા સાથે નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ ખૂબ સરસ છે. હજી સુધી, ભારત તરફથી કચ્ચાથીવુ ટાપુ શ્રીલંકા પાસેથી પરત લેવા બાબતે કોઈ સત્તાવાર સંવાદ કરવામાં આવ્યો નથી. ભારત તરફથી અત્યાર સુધી તે ટાપુ બાબતે કોઈ વાર્તાલાપ કરવામાં આવ્યો નથી. જો આવી કોઈ વાતચીત હશે તો વિદેશ મંત્રાલય તેનો જવાબ આપશે.”
જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે શ્રીલંકાને કચ્ચાથીવુ ટાપુ આપી દીધો હતો અને તે બાબતને “છુપાયેલી” રાખી હતી. આ સાથે તમિલનાડુના બીજેપીના વડા અન્નામલાઈએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તે ટાપુ પ્રદેશ પાછો મેળવવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહી છે.
દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે, સરકાર કચ્ચાથીવુ ટાપુ પરત લેવા અંગેના પ્રશ્નને ટાળતા કહ્યું કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
ત્યાર બાદ, કે અન્નામલાઈએ ચેન્નાઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે. અને શક્ય તેટલા તમામ ઉકેલો ધ્યાનમાં લેવામાં આવશે. આ મુદ્દામાં ભાજપનો ઉદ્દેશ્ય તમિલ માછીમારોની સુરક્ષાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી જયશંકર તે મામલામાં ખૂબ જ ગંભીર છે.
શ્રીલંકાના મંત્રી થોન્ડમને ભારત તરફથી હજુ સુધી કોઈપણ સંદેશાવ્યવહારનો ઇનકાર કર્યો હોવા છતાં, અન્ય એક શ્રીલંકાના મંત્રી, જેમણે નામ જાહેર કરવા નથી માંગતા તેઓએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે સરકાર બદલાય તેમ તેમની ઈચ્છા મુજબ રાષ્ટ્રીય સીમાઓ બદલી શકાતી નથી.
કચ્ચાથીવુ છેલ્લા બે દિવસમાં તમિલનાડુમાં એવી અટકળો ફરી શરૂ થઈ છે કે ૧૯ એપ્રિલે લોકસભા ચૂંટણીના દિવસ પહેલા ભાજપે કચ્ચાથીવુ ટાપુ પરત લેવા માટે એક યોજના ઘડી છે.
રાજ્યના ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે ૨૦૨૨ માં અન્નામલાઈની શ્રીલંકાની બહુચર્ચિત ચાર દિવસીય મુલાકાત પછીથી ટાપુનો મુદ્દો પાર્ટીના રડારમાં છે. આ મુલાકાતને શ્રીલંકા સાથેના પડતર મુદ્દાઓને ઉકેલવા માટે ભાજપ નેતૃત્વ વતી એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. જેમાં કચ્ચાથીવુ અને શ્રીલંકાના નૌકાદળ દ્વારા તમિલ માછીમારો પરના હુમલા જેવા અગત્યના મુદ્દાઓનો સમાવેશ છે.
નામ ન આપવાની શરતે બોલતા ભાજપના નેતાએ જણાવ્યું હતું કે અન્નામલાઈની મુલાકાત બાદ, પાર્ટી નેતૃત્વની વર્તમાન મોદી શાસનના અંત પહેલા કચ્છથીવુ ટાપુ પર મહત્વપૂર્ણ જાહેરાત કરવાની યોજના હતી. તે એક મહત્વપૂર્ણ યોજના હતી પરંતુ તે હજુ સુધી સાકાર થઈ નથી.
તેમણે આગળ જણાવતા કહ્યું હતું કે અમને આ સંદર્ભે દિલ્હી દ્વારા લેવામાં આવેલા પ્રયત્નો વિશે ખ્યાલ નથી. તે ટાપુને પુનઃપ્રાપ્ત કરવું એ લગભગ અશક્ય વિચાર હોવા છતાં, કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે કે તે ટાપુ વિસ્તારમાં ભારતીય જહાજોના અધિકારોને પુનઃસ્થાપિત કરવા જોઈએ કારણ કે તે તમિલનાડુ ભાજપ માટે એક મોટો ફાયદો હોત.