દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહ ૬ મહિના બાદ તિહાડ જેલમાંથી બહાર આવ્યા.

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહ ૬ મહિના બાદ તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. તે બહાર આવ્યા બાદ કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. આ દરમિયાન સંજય સિંહે એક કાર પર ઉભા રહીને કહ્યું કે આ ઉજવણી કરવાનો નહીં પરંતુ સંઘર્ષ કરવાનો સમય છે, કારણ કે પાર્ટીના ઘણા મોટા નેતાઓ જેલમાં છે. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની અને આખો પરિવાર પણ હાજર હતો.
આ ઉજવણીનો સમય નથી, આ સંઘર્ષ કરવાનો સમય છે – સંજય સિંહ
તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહે એક કાર પર ઉભા રહીને કહ્યું કે હવે સંઘર્ષ કરવાનો સમય આવી ગયો છે. આપણી પાર્ટીના ટોચના નેતાઓ – અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલના સળિયા પાછળ રાખવામાં આવ્યા છે. હું માનું છું કે એક દિવસ આ જેલના તાળાં તૂટી જશે અને તે બહાર આવશે. તેથી હું કહેવા માંગુ છું કે આ ઉજવણીનો સમય નથી, આ સંઘર્ષ કરવાનો સમય છે.
સંજય સિંહ સાથે તેમના પત્ની અનિતા સિંહ અને તેમના પુત્રી પણ હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહ પહેલા સીએમ આવાસ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મળવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે કથિત દારૂ કૌભાંડ કેસમાં ઇડી દ્વારા ઓક્ટોબર ૨૦૨૩માં સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી.