મહેસાણા ભાજપમાં ભરતી મેળો જામ્યો છે. વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે તેમના નિવાસ સ્થાને વિસનગર તાલુકાના ૧૩ ગામના ૩૫૦ વધુ કોંગ્રેસ કાર્યકરો અને સરપંચને પાર્ટીનો ભગવો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. વિસનગર વિધાનસભાના વિવિધ ગામોના કોંગ્રેસના સરપંચ, ડેલિકેટ, પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ કોંગ્રેસના વિવિધ આગેવાનો મોટી સંખ્યામાં ભાજપામાં જોડાયા હતા.
આ પ્રસંગે ઋષિકેશ પટેલે કહ્યું કે, આજે વિસનગર વિધાનસભા કોંગ્રેસ મુક્ત બની છે કોંગ્રેસને હવે બુથ ઉપર બેસવા કાર્યકર્તા શોધવા મુશ્કેલ પડી રહ્યા છે. અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર બનવા તૈયાર નથી આગામી સમયમાં વિસનગર વિધાનસભા ક્ષેત્રમાં આવતા તમામ ગામોનો જે પણ કોઈ પ્રશ્ન હશે તેને હું રાજ્ય સરકારમાં પહોંચાડી વિકાસના કામ પૂર્ણ કરવાની હું ગેરંટી લઉં છું. મહેસાણા લોકસભાના પ્રભારી ડૉ.સંજય દેસાઈ, વિસનગર તાલુકા બીજેપી પ્રમુખ સતીશ પટેલ અને શહેર પ્રમુખ મનીષ ગળિયા, તેમજ એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.