મિલકતની ખરીદી કે વેચાણ કર્યા પછી સબરજિસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજ નોંધાવવા જાય ત્યારે મિલકત વેચનાર અને મિલકત ખરીદનાર ઉપરાંત બે સાક્ષી સિવાયની વ્યક્તિગની હાજરીને ગેરકાયદે ઠેરવતો પરિપત્ર સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ત્રીજી માર્ચે સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. પરિણામે દસ્તાવેજ નોંધાવવા જનારા અને નોંધણીની પ્રક્રિયાથી સાવ જ અજાણ અને ભણ્યા હોવા છતાંય સમગ્ર પ્રક્રિયાની સમજણ ન ધરાવનારાઓની હાલાકી વધી જવાની શક્યતા રહેલી છે. બીજી તરફ વકીલોની હાજરીને પણ અહીં ગેરકાયદે ઠેરવી દેવામાં આવી હોવાનું જણાતા દસ્તાવેજોની નોંધણી સાથે સંકળાયેલા વકીલોનો આક્રોશ વધી ગયો છે.
દસ્તાવેજની નોંધણી પ્રક્રિયા સાથે દાયકાઓથી સંકળાયેલા અનુભવી વકીલોનું કહેવું છે કે દસ્તાવેજોની નોંધણી દરમિયાન મિલકત ખરીદનારા કે વેચનારાઓને તેની બારીકાઈની સમજણ હોતી નથી. આ સંજોગોમાં દસ્તાવેજના સંદર્ભમાં કેટલાક સવાલો નોંધણી અધિકારી ઊભા કરે તો તેના જવાબ આપવા માટે વકીલોની હાજરી જરૂરી છે. તેમની ગેરહાજરીમાં અધિકારીઓ મિલકતની ખરીદી કે વેચાણ કરનારાઓને ગેરમાર્ગે દોરી શકે છે. તેમ જ તેમના ખિસ્સા પણ ખંખેરી શકે છે આ સ્થિતિમાં વકીલોની હાજરી અનિવાર્ય છે. વકીલો જેવી સમજણ દસ્તાવેજની નોંધણી કરાવવા જતાં ભણેલાગણેલા આમ આદમીને પણ હોતી નથી. વકીલોની હાજરીમાં નોંધણી અધિકારીઓ પોતાનું ધાર્યું ન કરી શકતા હોવાથી અને ખરીદનાર-વેચનારને ખંખેરી ન શકતા હોવાથી તેઓ આ પ્રકારનો પરિપત્ર કરી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દસ્તાવેજની નોંધણી વખતે અધિકારી વાંધા વચકાં ઊભા કરે તો તેનો જવાબ કદાચ ભણેલો મિલકત ખરીદનાર પણ ન આપી શકે તેવી સ્થિતિ છે.
વકીલ દસ્તાવેજને લગતી તમામ બાબતોને જાણતો હોવાથી વકીલની હાજરી અનિવાર્ય છે. તેથી નોંધણી નિરીક્ષક- સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પે કરેલો પરિપત્ર કાયદેસર જણાતા ન હોવાની વકીલોની દલીલ છે દસ્તાવેજની નોંધણી કરાવતી વખતે વકીલની જેમ જ બોન્ડ રાઈટરની હાજરીને પણ ગેરકાયદે ઠેરવવામાં આવી રહી છે. વકીલ પાસે સનદ હોવા છતાંય તેની હાજરીને ગેરકાયદે ઠેરવવામાં આવી રહી છે. બોન્ડ રાઈટર મિલકતની ખરીદવેચાણનો દસ્તાવેજ તૈયાર કરે છે અને તેની પાસે તેને માટેનું અધિકૃત લાઈસન્સ પણ હોય જ છે. તેમ છતાંય બંનેની હાજરીને ગેરકાયદે ઠેરવીને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ શું સિદ્ધ કરવા માગે છે તે એક મોટો સવાલ છે.
ભૂતકાળમાં ૫૦ મીટરથી નાના ફ્લેટ્સ માટે ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી જમા કરાવવાનો કલમ ૩૨-કની નોટિસો સબરજિસ્ટ્રાર કચેરીમાંથી આપીને અબજોનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. ૫૦ મીટરથી નાના મકાનો માટેની જોગવાઈ મુજબ તેમને સ્ટેમ્પ ડ્યૂટી લાગતી જ નહોતી. તેમને નોટિસો આપવાનો સવાલ જ ઊભો થતો નહોતો. તેમ છતાંય નોટિસો આવે તેથી લોકો દોડીને સબરજિસ્ટ્રારની કેચરીમાં જાય તો તેમના કેસ સેટલ કરી આપવાને નામે તેમની પાસે દસવીસ હજાર પડાવી લેવાની ઘટનાઓ બની જ છે.