મતદાન ન કર્યુ તો થશે દંડ,રાજકોટના રાજસમઢીયાળા ગામમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ

મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા રાજકોટ જિલ્લાની એક ગ્રામ પંચાયતની અનોખી પહેલ કરવામાં આવી છે. રાજ-સમઢીયાળા પંચાયત દ્વારા મતદાન ન કરનાર ગ્રામજનોને દંડ ફટકારવામાં આવે છે.

લોકસભાની ચૂંટણીનો પર્વ હવે નજીકમાં છે. મતદાન કરવું એ આપણો અધિકાર છે. પરંતુ ઘણી વખત એવુ પણ બને છે કે ઘણા લોકો મતદાન કરવા જતા નથી. ત્યારે રાજકોટનું એક એવુ ગામ કે જ્યાં મતદાન ન કરવાને લઇને કડક નિયમો બનાવવામાં આવ્યા છે.

ચૂંટણીને લઇને ખાસ નિયમ

આ ગામ એટલે રાજકોટનું રાજસમઢીયાળા ગામ. રાજસમઢીયાળા ગામને એક આદર્શ ગામ કહેવામાં પણ કંઇ નવાઇ નહી કારણ કે આ ગામમાં આજદીન સુધી ગ્રામપંચાયતની ચૂંટણી કરવી પડી નથી.  આઝાદી કાળથી જ અંહી સરપંચની પસંદગી ગ્રામજનો દ્વારા સમરસતાથી કરવામાં આવે છે. એટલે ગામનું સંચાલન પણ સરળતાથી થાય છે. વળી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી દરમિયાન એવા નિયમો બનાવવામાં આવ્યા છે કે મતદાન હંમેશા ૧૦૦ % જ થાય .

ગામમાં હંમેશા થાય છે ૧૦૦ % મતદાન

આ ગામમાં એવો નિયમ છે કે જ્યારે કોઇ મતદાર મતદાન ન કરે તો ગ્રામ પંચાયત દ્વારા તેને દંડ ફટકારવામાં આવે છે.  
મળતી માહિતી મુજબ ૫૧ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.  જો કે ગામમાં આજદીન સુધી એવું થયુ નથી તે કોઇને દંડ ફટકાર્યો હોય. ગામના સૌ કોઇ પોતાની ફરજ નિભાવી જાણે છે. છેલ્લા ૧૧ વર્ષથી એવરેજ ૯૬ % મતદાન ગામમાં નોંધાયુ છે. . ૪ % મતદારો એવા છે કે જેમાં તેઓનું નિધન થયું હોય અથવા તો દીકરી સાસરે ગઈ હોય. 

પ્રચાર કરવાની છે મનાઇ

લોકસભા ચૂંટણી હોઈ કે વિધાનસભા ચૂંટણી, કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રચાર માટે પ્રવેશવાની મનાઈ છે..જો કોઈ પણ પક્ષ બળજબરીથી પ્રચાર તેમજ ગ્રામજનો સાથે ચુંટણીમાં મત માટે બેઠક કરવા માગે તો ગ્રામજનો દ્વારા તેના વિરુદ્ધ માં મતદાન કરવામાં આવે છે.  ત્યારે મતદાનને લઇને ગ્રામપંચાયત દ્વારા આ નિયમ ભલે બનાવવામાં આવ્યો હોય પરંતુ એક જાગૃત નાગરિક તરીકે મતદાન તો અવશ્ય કરવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *