પીએમ મોદી રાજસ્થાનથી બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સુધી ધડાધડ રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ ભાજપના ચૂંટણી પ્રચારથી વિપરીત છે, જેના કારણે ઇન્ડિયા ગઠબંધન ક્યાં ગાયબ છે તેવા સવાલો ઉઠી રહ્યા છે?

લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ પહેલા તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલના રોજ થશે, જેમાં હવે બે સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ચાલુ છે. પીએમ મોદી રાજસ્થાનથી બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સુધી ધડાધડ રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ ભાજપના ચૂંટણી પ્રચારથી વિપરીત છે, જેના કારણે ઇન્ડિયા ગઠબંધન ક્યાં ગાયબ છે તેવા સવાલો ઉઠી રહ્યા છે?
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પહેલા તબક્કામાં ૧૯ એપ્રિલે મતદાન થવાનું છે, રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર ચાલુ જ છે, પરંતુ વિપક્ષી પાર્ટીઓ જે એકતાની વાત કરી રહ્યા હતા તે ઓછામાં ઓછી જમીન પર તો દેખાતી જ નથી. પશ્ચિમ યુપી વિરોધી પક્ષો માટે ખૂબ મહત્વનું છે, ગત વખતે આ પ્રારંભિક તબક્કાની બેઠકો પર ભાજપને ઝટકો લાગ્યો હતો, પરંતુ આ વખતે વિપક્ષ અહીં સંપૂર્ણપણે વેરવિખેર દેખાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પશ્ચિમ યુપીને ખાસ મહત્વ આપી રહ્યા છે. સહારનપુરથી મેરઠ સુધી આ કારણે તેમણે ઘણી રેલીઓ કરી છે. શનિવારે તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે ગાઝિયાબાદમાં રોડ શો કર્યો હતો. એટલું જ નહીં આગામી દસ દિવસમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પીએમના ઘણા કાર્યક્રમો છે. તો બીજી તરફ પીડીએ ગઠબંધન હેઠળ સાથે મળીને ચૂંટણી લડનાર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત રેલીઓ હાલ થઇ રહી હોય તેવું લાગી રહ્યું નથી.
યુપીમાં એનડીએ એકજૂથ, પીડીએ ગાયબ!
ખાસ વાત એ છે કે પીએમ મોદીની રેલીઓ અને રોડ શોમાં આખું ગઠબંધન એક સાથે જોવા મળે છે. તેમના કાર્યક્રમમાં ભાજપ ઉપરાંત આરએલડીથી માંડીને અપના દળ અને એસબીએસપી સુધીના નેતાઓ પણ જોવા મળે છે, પરંતુ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની રેલીમાં કોંગ્રેસના પ્રદેશ સ્તર સુધીના નેતાઓ દેખાતા નથી. એટલું જ નહીં યુપીમાં ૨૦૧૭ દરમિયાન અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા. આ વખતે હાલ આવી કોઇ તસવીર નથી. બંને છેલ્લે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન સાથે જોવા મળ્યા હતા.
અખિલેશનો ચૂંટણી પ્રચાર સુસ્ત, માયાવતી ગાયબ
વિરોધ પક્ષોના ચૂંટણી પ્રચાર પર નજર કરવામાં આવે તો તે ખૂબ જ ધીમું છે, જ્યારે હજુ તો ચૂંટણી શરૂ જ થઇ છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં તેઓ માત્ર બે જ જાહેર મંચમાં દેખાયા છે. 31 માર્ચે તેમણે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ એક રેલીમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ લખનઉમાં એક જનસભા કરી હતી. આ ઉપરાંત અખિલેશનો ચૂંટણી પ્રચાર ખૂબ જ ધીમો જણાય છે. પૂર્વ સીએમ માયાવતીની વાત કરીએ તો તેમણે બસપા ચૂંટણી પ્રચાર માટે અત્યાર સુધી એક પણ જનસભા કરી નથી.
કોંગ્રેસ અલગ અભિયાન ચલાવી રહી છે
કોંગ્રેસ પાર્ટી દિલ્હીથી રાજસ્થાન સુધી પોતાની રેલીઓ કરી રહી છે, પરંતુ અન્ય રાજ્યોમાં પ્રચારની ગતિ ધીમી દેખાઈ રહી છે. આનું કારણ એ છે કે દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી જ રાજ્યમાં પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ ખચકાટ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત બિહારમાં આરજેડી જોરદાર પ્રચાર કરી રહી છે, પરંતુ રાહુલ કે મલ્લિકાર્જુન ખડગે સાથે મળીને પ્રચાર કરતા જોવા મળી રહ્યા નથી.
બંગાળ અને મહારાષ્ટ્રની સ્થિતિ કેવી છે?
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે, પરંતુ તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું નથી. રસપ્રદ વાત એ છે કે આ જ મમતાએ દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સના આપ દ્વારા આયોજિત રેલીમાં સાંસદો ડેરેક ઓ બ્રાયન અને સાગરિકા ઘોષને પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર ઉપરાંત ઇન્ડિયા ગઠબંધન હજુ પણ બેઠકોની વહેંચણી પર ધમપછાડા કરી રહ્યું છે, જ્યારે ત્યાં પણ સીએમ એકનાથ શિંદેથી લઈને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સુધી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
છૂટાછવાયો ચૂંટણી પ્રચાર
બિહારના સીએમ નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર આવ્યા તે પહેલા જ વિપક્ષી દળોના નેતાઓએ કહ્યું હતું કે હવે વિપક્ષી પાર્ટીઓ જલ્દી જ એક સાથે રેલીઓ કરશે અને ભાજપ વિરુદ્ધ આક્રમક અભિયાન શરૂ થશે. આ માટે 31 જાન્યુઆરીની તારીખ પણ અગાઉ રાખવામાં આવી હતી. આ દરમિયાન સીટોની વહેંચણીને લઈને ઘણો વિવાદ થયો અને રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળ્યા હતા. આવી સ્થિતિમાં માર્ચ મહિનામાં રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા પૂરી થઈ ત્યારે ઇન્ડિયા ગઠબંધનની પહેલી મોટી રેલી થઈ હતી. આ પછી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ૩૧ માર્ચે બીજી મોટી રેલી યોજવામાં આવી હતી.
વિરોધ પક્ષો એકલા જ પ્રચાર કરી રહ્યા છે, પરંતુ પશ્ચિમ બંગાળને બાદ કરતાં કોઈ પણ રાજ્યમાં વિરોધ પક્ષોનું આક્રમક અભિયાન ચાલતું નથી, જેના કારણે એ સવાલ ઊભો થાય છે કે ઇન્ડિયા ગઠબંધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ઉચ્ચસ્તરીય ચૂંટણી તંત્રનો સામનો કેવી રીતે કરી શકશે?