પરષોતતમ રૂપાલા વિ ક્ષત્રિય સમાજ : આ વિવાદ વચ્ચે કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. પોલીસકર્મીના હાથે પાઘડી ઉતરી જતા આક્રોશ.

ગુજરાતના કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટથી અટકાયત કરવામાં આવી છે. રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, તે પહેલા તેમણે એક વીડિયો જાહેર કરી ક્ષત્રિય સમાજના લોકોને કમલમ પહોંચવા કહ્યું હતુ. આ ઘટનામાં શેખાવતની પાઘડી પોલીસકર્મીના હાથે નીચે પડતા વિવાદ વકર્યો હતો.
કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત
રાજ શેખાવત અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કમલમ પહોંચે તે પહેલા જ તેમની અમદાવાદ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા જ્યારે અટકાયત થઈ રહી હતી ત્યારે એક પોલીસ કર્મીના હાથે તેમની પાઘડી નીકળી જતા તેમણે હંગામો કર્યો હતો, અને ગુસ્સે થયા હતા.
કરણીસેના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો
આ ઘટના બાદ કરણીસેનાના કાર્યકર્તાઓ અમદાવાદ સાયબર ક્રાઈમ ઓફિસે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કરણીસેનાના કાર્યકરોએ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
પાઘડી નીચે પાડનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરો : કરણસિંહ ચાવડા
આ બાજુ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રાજ શેખાવતની પાઘડી ઉતારનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમે શાંતી પૂર્ણ આંદોલન કરી રહ્યા છીએ, પોલીસકર્મી દ્વારા પાઘડી નીકાળવાની ઘટનાની હું નિંદા કરૂ છુ, જવાબદાર કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે, અને રાજ શેખાવતને છોડી દેવામાં આવે.
રુકાવટ બનશો તો હું આત્મવિલોપન કરીશુ : રાજ શેખાવત
તમને જણાવી દઈએ કે, જયપુર થી અમદાવાદ આવ્યા ત્યારે કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતે અમદાવાદ એરપોર્ટ પરથી એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ‘હું અમદાવાદ એરપોર્ટ પર બેઠો છુ, જપુરથી આવ્યો છુ. અહીં બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મે કહ્યું હતુ સરકારને કે મને કે મારા સમાજના માર્ગમાં રૂકાવટ બનશો તો હું આત્મ વિલોપન કરીશુ, એટલે મને મજબુર ના કરો, એટલે કે અમારે જે રજૂઆત કરવા કમલમ જવા માંગીએ છીએ તે રસ્તો સાફ કરો. તો હું મિત્રોને કહેવા માંગુ છુ કે, આપડે જે કહ્યું તે કરીશુ, આ નિર્ણાયક લડીશુ, અને સફળતા મળશે, તમારી ઉપસ્થિતીથી જ સફળતા મળશે, તો આવો બપોરે 2 વાગે મળીએ ગાંધીનગર કમલમ.’
પરષોત્તમ રૂપાલા વિ ક્ષત્રિય
ભાજપના રાજકોટ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાવતા કથિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ સાથે ભાજપ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. રૂપાલા વિ ક્ષત્રિયોની લડાઈ અનેક પ્રયત્નો બાદ પણ શાંત થવાનુ નામ નથી લઈ રહી. ક્ષત્રિય સમાજ તેમની માંગ પર અડગ છે.