રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટી પર દલિત વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું ક રાજ્યસભામાં અમારા ૧૩ સભ્યો છે, પરંતુ તેમાંથી કોઈ પણ દલિત નથી, કોઇપણ મહિલા નથી અને કોઈ પછાત જાતિથી નથી.

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને વધુ એક ફટકો પડ્યો છે. સરકારમાં મંત્રી રહેલા રાજકુમાર આનંદે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે ભ્રષ્ટાચાર પર આમ આદમી પાર્ટીના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓ સમાજ કલ્યાણ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ કોઇ પાર્ટીમાં જવાના નથી.
મીડિયા સાથેની વાતચીતમાં રાજકુમાર આનંદે કહ્યું કે હું રાજ કુમાર આનંદ દિલ્હી સરકારમાં મંત્રી છું, મારી પાસે ૭ વિભાગો છે પરંતુ આજે હું ખૂબ જ વ્યથિત છું તેથી હું આજે તમારી સાથે મારા દુ:ખને શેર કરવા આવ્યો છું. હું રાજકારણમાં જોડાયો ત્યારે અરવિંદ કેજરીવાલજીએ કહ્યું હતું કે રાજનીતિ બદલાશે પરંતુ આજે મારે અફસોસ સાથે કહેવું છે કે રાજનીતિ તો બદલાઇ નથી પરંતુ રાજકારણીઓ બદલાયા છે. આમ આદમી પાર્ટીનો જન્મ પણ ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારના દલદલમાં ફસાઈ ગઇ છે.
તેમણે કહ્યું મંત્રી બનીને આ સરકારમાં રહેવું મારા માટે અસહજ થઈ ગયું છે, હું આ પાર્ટીમાંથી, આ સરકારમાંથી રાજીનામું આપી રહ્યો છું કારણ કે હું મારું નામ ભ્રષ્ટ વ્યવહારમાં સામેલ કરવા માંગતો નથી. મને નથી લાગતું કે આપણી પાસે શાસન કરવા માટે કોઈ નૈતિક તાકાત બચી છે.
રાજકુમાર આનંદે પાર્ટી પર દલિત વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો
આ દરમિયાન રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટી પર દલિત વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું ક રાજ્યસભામાં અમારા ૧૩ સભ્યો છે, પરંતુ તેમાંથી કોઈ પણ દલિત નથી, કોઇપણ મહિલા નથી અને કોઈ પછાત જાતિથી નથી. આ પાર્ટીમાં દલિત ધારાસભ્યો, કાઉન્સિલરો અને મંત્રીઓ માટે કોઈ આદર નથી. આવી સ્થિતિમાં તમામ દલિતો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. એટલા માટે મારા માટે આ પાર્ટીમાં રહેવું મુશ્કેલ છે.
આપે કહ્યું – પાર્ટી તોડવાનો થઇ રહ્યો છે પ્રયાસ
રાજકુમાર આનંદના રાજીનામા બાદ કેજરીવાલ સરકારમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમે પહેલા જ કહી ચૂક્યા છીએ કે કેજરીવાલને જેલમાં મોકલીને આ લોકો પાર્ટીને તોડવા અને દિલ્હી-પંજાબમાં સરકારોને પાડવાનો પ્રયત્ન કરશે.