ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વીજળી અને વાવાઝોડા સાથે ત્રણ દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની પૂરી શક્યતા છે. જેને પગલે રાજ્યના તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાશે.
ગુજરાત માં ત્રણ દિવસ વરસાદ આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે, જેને પગલે ગરમીમાં થોડી રાહત થશે, રાજ્યમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાશે. તો શનિવાર, રવિવાર અને સોમવારે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ત્રણ દિવસ વરસાદની પૂરી સંભાવના છે.
ગુજરાત – ક્યાં ક્યારે વરસાદ થશે
૧૩-૦૪-૨૦૨૪
હવામાન વિભાગે વરસાદ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, તારીખ ૧૩-૦૪-૨૦૨૪ ના રોજ શનિવારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે છૂટા છવાયા સ્થળોએ વરસાદ થશે.
૧૪-૦૪-૨૦૨૪
તો રવિવારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વરસાદની સંભાવના છે, આ સિવાય અન્ય જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. આ બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે છૂટા છવાયા વિસ્તારમાં માવઠું થઈ શકે છે.
૧૫-૦૪-૨૦૨૪
હવામાન વિભાગે ૧૫-૦૪-૨૦૨૪ સોમવારે પણ વરસાદની સિસ્ટમ યથાવત રહેતી હોવાનું જણાવ્યું છે. આ દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતના મહિસાગર, દાહોદ જિલ્લામાં તોફાની પવન અને ગાજ વીજ સાથે છૂટા છવાયા સ્થળોએ વરસાદ થશે.
વાદળછાયા વાતાવરણ સાથે તાપમાનમાં ૨-૩ ડિગ્રી ઘટાડો નોંધાશે
અમદાવાદ હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે જણાવ્યું છે કે, જે જિલ્લામાં વરસાદની સંભાવના ઓછી છે ત્યાં વાદળછાયુ વાતાવરણ રહેશે, તથા તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયલ ઘટાડો નોંધાશે.
રાજકોટ, અમદાવાદ સૌથી ગરમ રહ્યા, તો દ્વારકા, દીવ અને દમણ ઠંડા રહ્યા
તમને જણાવી દઈએ કે, ગઈ કાલે બુધવારે સૌથી વધુ તાપમાન અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, અમરેલી અને રાજકોટમાં ૪૦-૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો લઘુત્તમ તાપમાન પોરબંદર, નલીયા, રાજકોટ, દ્વારકા, દીવ, દમણ, ભૂજ, ડાંગ, જામનગર અને વેરાવળ ૨૨ થી ૨૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.