રશિયાએ ફરી મિત્રતા દર્શાવી

ચીનના વિરોધ છતાં ભારતને ઈગલ એસ મિસાઈલ આપી.

ભારતના જૂના અને સૌથી વિશ્વાસુ મિત્ર રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે ભારતને સપાટીથી હવામાં માર કરતી મિસાઈલ ઈગલ એસની સપ્લાય કરી છે. ભારત ટૂંક સમયમાં આ મિસાઈલને હિમાલયમાં ચીન વિરુદ્ધ તૈનાત કરશે. આ મિસાઈલને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે અને તેને ખભા પર રાખીને ફાયર કરી શકાય છે. તેના દ્વારા ફાઈટર જેટ, ડ્રોન અને ક્રુઝ મિસાઈલને નિશાન બનાવી શકાય છે.

રશિયાએ આ મિસાઈલ એવા સમયે આપી છે જ્યારે ચીન અને ભારત વચ્ચે તણાવ ઘણો વધતો જઇ રહ્યો છે. યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા અને ચીનની મિત્રતા ઘણી વધી ગઈ છે.

જાણકારોનું કહેવું છે કે રશિયા ભારતને આ મિસાઈલ આપે છે એ દર્શાવે છે કે ચીનની નજીક હોવા છતાં રશિયા ભારત સાથેની મિત્રતાને ભૂલવાનું નથી. ભારતીય સેનાએ વર્ષ ૨૦૨૧માં સૌપ્રથમવાર સોવિયત ડિઝાઈનવાળી આ મિસાઈલનો ઉપયોગ શરૂ કર્યો હતો. ચીન સાથેના ૪ વર્ષ જૂના તણાવ વચ્ચે ભારત મોટા પાયે શોલ્ડર ફાયર મિસાઈલની ખરીદી કરી રહ્યું છે.

આ પહેલા વર્ષ ૨૦૨૦માં ગલવાન હિંસામાં ઘણા ભારતીય જવાનો શહીદ થયા હતા. નિષ્ણાંતોનું કહેવું છે કે રશિયા દ્વારા ભારતને આ મિસાઈલ આપવામાં આવ્યા એ બતાવે છે કે મિત્રતા હોવા છતાં ચીન હથિયારોના મુદ્દે ભારત સામે રશિયન નેતૃત્વને ઝુકાવી શક્યું નથી. ચીન ભારતને શસ્ત્રો વેચવા બદલ રશિયાનો વિરોધ કરી રહ્યું છે, પરંતુ પુતિને સ્પષ્ટ કહ્યું છે કે તે ડ્રેગનના સૂચનને સ્વીકારશે નહીં.

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના નંદન ઉન્નીક્રિષ્નને જણાવ્યું હતું કે, સામાન્ય લોકો આ કરારની શરતોને જાણતા નથી હોતા, પરંતુ હકીકત છે કે કોઈપણ હથિયાર આપતા પહેલા રશિયા તેના ઉપયોગ અંગે કોઈ શરતો લાદતું નથી. તેમણે કહ્યું કે અત્યાર સુધી રશિયા અને ચીનના સંબંધોથી ભારત અને રશિયા વચ્ચેની સંરક્ષણ ભાગીદારીને કોઈ અસર થઈ નથી. તાજેતરમાં જ ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ વેચી છે.

ભારતે આ મિસાઇલ રશિયાના સહયોગથી વિકસાવી છે. ચીન ફિલિપાઈન્સ વચ્ચે તણાવ ચાલુ છે અને મનીલાનો પણ અમેરિકા સાથે સંરક્ષણ કરાર છે. કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ચીન સાગરમાં લાલ આંખ દેખાડી રહેલા ચીન સામે ફિલિપાઈન્સ ટૂંક સમયમાં બ્રહ્મોસ મિસાઈલ તૈનાત કરશે. ફિલિપાઈન્સના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન ડેલ્ફિન લોરેન્ઝાનાનું કહેવું છે કે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ તેમના દેશની સાર્વભૌમત્વ વિરુદ્ધ કોઈપણ ઉદ્ધતાઈનો જડબાતોડ જવાબ આપશે.

તે જ સમયે, ભારત-રશિયા મૈત્રી વિશે અમેરિકાની અલગ રાય છે. અમેરિકન પ્રોફેસર ક્રિસ્ટોફર ક્લેરીનું કહેવું છે કે રશિયા પર ચીનના વધતા પ્રભાવથી ચિંતિત હોઈ શકે છે. તેમણે કહ્યું કે ભારતે એ વાતની ચિંતા કરવી જોઈએ કે જો કોઈ મોટો સૈન્ય સંઘર્ષ થાય છે તો ચીન રશિયા પર હથિયારોની સપ્લાય રોકવા માટે પોતાનું તમામ દબાણ લાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *