લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ભાજપ અને કોગ્રેસે ચૂંટણી ઢંઢેરા જાહેર કરી દીધા છે. જો કે બંને પક્ષોએ તેઓ સત્તામાં આવશે ત્યારે જનાતને આપલા વચનો કેવી રીતે પૂર્ણ કરશે તે અંગે કોઇ જાણકારી આપી નથી.

લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા તમામ પાર્ટીઓ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં તમામ પાર્ટીઓએ મોટા-મોટા દાવા કર્યા છે. આમાંથી કેટલા દાવા અને વાયદાઓ તેઓ પૂરા કરશે અને કેટલા અધૂરા રહેશે તે તો ચૂંટણીમાં તેમની જીત અને હાર બાદ ખબર પડશે,
અલબત્ત કેટલાક એવા દાવા છે જે લગભગ તમામ પક્ષોએ કર્યા છે. ભાજપે પોતાના ઘોષણાપત્રને ‘સંકલ્પ પત્ર’ ગણાવીને રવિવારે જાહેર કર્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસે આ વખતે પોતાના ઘોષણાપત્રને ન્યાય પત્ર નામ આપ્યું છે. બંને પક્ષોએ જુદા જુદા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બંને પક્ષોનું કેટલાક મુદ્દાઓ પર વિશેષ ધ્યાન છે.
ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર ભાજપનો વિશેષ ભાર
એક તરફ ભાજપે ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી અનેક યોજનાઓને ચાલુ રાખવા અને વિસ્તાર કરવાની વાત કરી છે, અને કેટલીક નવી યોજનાઓ શરૂ કરવાનું વચન આપ્યું છે. તેઓએ આગામી પાંચ વર્ષ માટે પીએમ ગરીબ કલ્યાણ મફત ભોજન યોજના એટલે કે મફત રાશન યોજના ચાલુ રાખવાની વાત કરી છે. આ યોજના વર્ષ ૨૦૨૦થી ચાલી રહી છે. તેમાં ૮૦ કરોડથી વધુ પરિવારોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. આમાં આગામી પાંચ વર્ષ સુધી મફત રાશન આપવાનું ચાલુ રહેશે.
વૃદ્ધોનાં સ્વાસ્થ્યથી લઈને દવાઓમાં રાહત સુધીનો વાયદો
આ ઉપરાંત દેશભરમાં ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે પણ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે. નવી વાત એ છે કે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પણ આ યોજનાના દાયરામાં લાવવામાં આવશે. આ સાથે પાંચ લાખની મફત સારવાર ચાલુ રહેશે. પાર્ટીએ જન ઔષધિ કેન્દ્રોના વિસ્તરણની વાત કરી છે અને હવે દવાઓને ૮૦ % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
મફત વીજળી અને પાકા મકાનો જેવી યોજનાઓનો પણ સમાવેશ
ઉપરાંત પીએમ સૂર્ય ઘર ફ્રી ઇલેક્ટ્રિસિટી સ્કીમ દ્વારા દર મહિને સોલર પેનલથી ફ્રી વીજળી આપવાની યોજના ચાલુ રહેશે. દેશમાં ડેરી સહકારી મંડળીઓની સંખ્યા પણ વધારવામાં આવશે. આના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ એક મોટુ કામ શરૂ કરવાની વાત કરી હતી. પાર્ટીએ દેશભરમાં એક કરોડ બહેનોને લખપતિ દીદી બનાવી છે, આગળ ત્રણ કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવામાં આવશે. પાર્ટીએ ગરીબો માટે ત્રણ કરોડ પાકા મકાનો બનાવવાનું વચન પણ આપ્યું છે.
કોંગ્રેસે ૫ ન્યાયની વાત કરી તમામ માટે ન્યાય પર ભાર મૂક્યો
બીજી તરફ કોંગ્રેસે પાંચ ન્યાયની વાત કરી છે – હિસ્સેદારી ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, મજૂર ન્યાય અને યુવા ન્યાય. કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ૫ ગેરંટીની વાત કરવામાં આવી છે તેમા ૩૦ લાખ સરકારી નોકરી આપવી, યુવાઓને એક વર્ષ માટે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ હેઠળ 1 લાખ રૂપિયા આપવાના વચનનો સમાવેશ થાય છે. હિસ્સેદારી ન્યાય હેઠળ સરકારે જાતિગત વસ્તીગણતરી કરવાની અને અનામતની ૫૦ % મર્યાદા દૂર કરવાની ગેરંટી આપી છે. તેણે કિસાન ન્યાય હેઠળ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ને કાયદાકીય દરજ્જો આપવાનું, લોન માફી આયોગની સ્થાપના અને જીએસટી મુક્ત ખેતીનું વચન આપ્યું છે.
કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓને આપશે ૧ લાખ રૂપિયા, શ્રમિકોની મજૂરી વધશે
કોંગ્રેસે શ્રમિક ન્યાય હેઠળ મજૂરોને આરોગ્યનો અધિકાર આપવાની, લઘુત્તમ મજૂરી દૈનિક ૪૦૦ રૂપિયા નક્કી કરવાની અને શહેરી રોજગારની ખાતરી આપવામાં આવી છે. નારી ન્યાય યોજના હેઠળ મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારોની મહિલાઓને દર વર્ષે ૧ લાખ રૂપિયા આપવામાં આવશે, જેમાં તેમને દર વર્ષે ૧ લાખ રૂપિયા આપવાનો પણ સમાવેશ થાય છે.

કોંગ્રેસનું PMLA નાબૂદ કરવાનું વચન
કોંગ્રેસે કહ્યું છે કે તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), ૨૦૦૨ ને રદ કરશે. આ ઉપરાં કોંગ્રેસે કહ્યું કે, તે જીએસટીમાંથી તમામ વસ્તુઓ હટાવી દેશે અને નાગરિકતા સંશોધન કાયદાને લાગુ નહીં થવા દે. જો કે આ ત્રણેય કાયદા ભાજપ માટે ખુબ જ ખાસ છે અને તેને આગળ વધારવા માટે આગ્રહ કરી રહ્યા છે. ભાજપ દેશભરમાં સીએએ લાગુ કરવા જઈ રહી છે.
કોંગ્રેસે મેનિફેસ્ટોમાં વચન આપ્યું છે કે પાર્ટી ભારતના કોઈપણ ભાગમાં ભોજન, પહેરવેશ, પ્રેમ, લગ્ન અથવા મુસાફરી અથવા રહેઠાણની વ્યક્તિગત પસંદગીમાં દખલગીરી કરશે નહીં. હસ્તક્ષેપ કરનારા કાયદાઓ રદ કરવામાં આવશે. ઈવીએમ પર સવાલ ઉઠાવનારી કોંગ્રેસે કહ્યું છે કે, મતદાન ઈવીએમ દ્વારા થશે પરંતુ વોટર્સ મશીનમાંથી જનરેટ થયેલી વોટિંગ સ્લિપને વીવીપેટમાં રાખી અને જમા કરાવી શકશે. ઇલેક્ટોરલ બોન્ડ કૌભાંડો, જાહેર સંપત્તિનું આડેધડ વેચાણ, પીએમ કેર્સ કૌભાંડ, ઉચ્ચ કક્ષાએ વારંવાર ગુપ્તચર નિષ્ફળતાઓની તપાસ કરવામાં આવશે.
ભાજપનો સંકલ્પ પત્ર જાહેર, ચૂંટણી ઢંઢેરામાં મોદીની ગેરંટીની વાત
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રવિવારે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો અને પીએમ મોદી ની ગેરંટીને ૨૪ કેરેટ સોનું ગણાવ્યું. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભાજપે પોતાના વચનો પૂરા કરીને લોકોનો વિશ્વાસ મેળવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી ૨૪ કેરેટ સોનાની જેમ જોવામાં આવે છે. પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરવા પર બોલતા સિંહે કહ્યું કે ભાજપના ઘોષણાપત્રને વિશ્વના રાજકારણમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરીકે જોવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પગલાંનો ઉલ્લેખ કરતાં તેમણે કલમ ૩૭૦ નાબૂદ કરવા અને રામ મંદિર નિર્માણ ઉપરાંત કહ્યું હતું કે, શાસક પક્ષે તેના તમામ વચનો પૂરા કર્યા છે.