ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ- ૩૯૯૭૯ બાળકોને પ્રવેશ અપાયો

RTE ACT- ૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % લેખે ધોરણ- ૧ માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા છે. 

નાયબ શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણની યાદીમાં જણાવ્યાનુસાર, રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોના પરિણામે વાલીઓમાં જાગૃતિ આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪- ૨૫ માટે કુલ- ૨૩૫૩૮૭ અરજીઓ ઓનલાઈન કરાઈ હતી. જેમાંથી ૧૭૨૬૭૫ અરજીઓ માન્ય અને ૧૫૩૧૯ અરજીઓ અધુરા દસ્તાવેજોના કારણોસર અમાન્ય કરાઈ હતી અને ૪૭૩૯૩ અરજીઓ અરજદારો દ્વારા રદ્દ કરવામાં આવી હતી.

યાદીમાં જણાવ્યાનુસાર, રાજયની કુલ- ૯૮૨૮ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૪૫૧૭૦ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કી.મીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈ પ્રથમ રાઉન્ડમાં કુલ- ૩૯૯૯૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

જ્યારે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં ૫૧૯૧ જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીનાં અભાવે ખાલી રહી છે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી અન્વયે વાલીઓને SMS થી જાણ કરાઈ છે. તથા એડમિટ કાર્ડ (પ્રવેશ પત્ર) માં દર્શાવેલ અસલ દસ્તાવેજો રજૂ કરી તા:- ૨૨/૦૪/૨૦૨૪ સોમવાર સુધીમાં જે- તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ મેળવી લેવા જણાવાયુ છે.

જેઓને પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવણી કરવામાં આવી છે, જો તેઓ સમયમર્યાદામાં પ્રવેશ મેળવશે નહિ તો તેઓને ફાળવેલ પ્રવેશ રદ ગણાશે, અને પછીના રાઉન્ડમાં તેઓ પ્રવેશ મેળવવા હકદાર બનશે નહીં, તેની ખાસ નોંધ લેવી.

પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ પર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ ફાળવી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવ્યું નથી તેવા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે ત્યારબાદ બીજા રાઉન્ડની નિયમાનુસાર પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *