અમદાવાદના સોલા વિસ્તારમાં બર્ડ ફ્લૂનો એક કેસ સામે આવ્યો છે. અહીં મરેલા મરઘાનો બર્ડ ફ્લૂનો ટેસ્ટ કરાતાં તે પૉઝિટિવ આવ્યો હતો.
આ રોગચાળો પક્ષીઓમાં ફેલાયો હોવાનું જાણવા મળતાં અમદાવાદ જિલ્લા મૅજિસ્ટ્રેટે કાર્યવાહી શરૂ કરી છે.
સોલા વિસ્તારના એક કિલોમીટરની ત્રિજ્યાવાળા વિસ્તારમાં રહેલાં તમામ મરઘાંને વૈજ્ઞાનિક ઢબે મારી નાખવામાં આવશે. આ ઉપરાંત તેનાં ઈંડાં અને મરઘાંના ખાદ્ય પદાર્થ તેમજ મરઘાંની અગારને વૈજ્ઞાનિક ઢબે નાશ કરવાની જાહેરાત કરાઈ છે.
જ્યાં બર્ડ ફ્લૂનો અસરગ્રસ્ત કેસ પકડાયો છે, તેના દસ કિલોમીટરની ત્રિજ્યાવાળા વિસ્તારને ઍલર્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં પક્ષીઓ, ઈંડાં, મૃત પક્ષી/મરઘાની અગાર જેવી વસ્તુઓના ઉપયોગ/ ખરીદ/ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ગત જાન્યઆરીમાં ભારતમાં H5N1 એટલે કે ઍવિયન ઇન્ફ્લુએન્ઝા વાઇરસ (બર્ડ ફ્લૂ)ના કેસોએ રાજ્ય સરકારોની ચિંતા વધારી હતી. એ વખતે ગુજરાત, દિલ્હી, હરિયાણા, કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા હતા.