ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી IAS, IPS, IFS સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) કાર્યરત છે.
આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વીસીસ પરીક્ષા-૨૦૨૩ના જાહેર થયેલા અંતિમ પરિણામમાં સ્પીપાના ૨૫ ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની IAS, IPS, IFS જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પણ આપી છે.
સ્પીપા ખાતે યુપીએસસી સ્ટડી સેન્ટર ૧૯૯૨થી કાર્યરત છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ ૨૮૫ ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે ૨૫ ઉમેદવારો પસંદ થયા છે.