દુબઈમાં પાણીના પૂરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. દુબઈ મોલ અને અમીરાતના મોલ જેવા લોકપ્રિય શોપિંગ સેન્ટરોમાં પણ પાણી ભરાઇ ગયા.

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં સોમવાર (૧૫ એપ્રિલ) મોડી રાત્રે દેશમાં તીવ્ર વાવાઝોડા પછી અત્યાર સુધીનો સૌથી વિક્રમી વરસાદ નોંધાયો છે. રણના શહેર દુબઈમાં વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સિટી મોલથી લઈને મેટ્રો સુધી દરેક જગ્યાએ પાણી-પાણી જ જોવા મળે છે. દુબઈમાં પાણીના પૂરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. યુએઈના નેશનલ મોસમ વિજ્ઞાન સેન્ટરના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૭૫ વર્ષમાં પહેલીવાર આવો વરસાદ જોવા મળ્યો છે.
વરસાદને પગલે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પાણી ભરાયા છે અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી રદ કરવામાં આવી છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને દરેક નાગરિક આ વરસાદથી પરેશાન છે. હવે સવાલ એ છે કે આ વરસાદનું મુખ્ય કારણ શું રહ્યું? હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદના પ્રયાસને કારણે દુબઇમાં આ ભારે વરસાદ પડ્યો છે.
UAE માં ભારે વરસાદ અસામાન્ય છે
UAE માં ભારે વરસાદ અસામાન્ય છે, જે શુષ્ક, અરેબિયન પેનિનસુલા દેશ છે. જોકે ક્યારેક ક્યારેક ઠંડા શિયાળાના મહિનાઓમાં આ પ્રદેશમાં જોવા મળે છે. સોમવારે રાત્રે વાવાઝોડાની શરૂઆત થઈ હતી અને મંગળવાર સાંજ સુધીમાં દુબઈના રણના શહેર પર ૧૪૨ મિલીમીટર (મીમી) થી વધુ વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે શહેરમાં દોઢ વર્ષમાં આટલો વરસાદ જોવા મળે છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સરેરાશ વર્ષમાં ૯૪.૭ મિલીમીટર વરસાદ પડે છે – જે વિશ્વનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જેમાં ૨૦૨૩માં ૮૦ મિલિયનથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા.
એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરતા એક દંપતીએ નામ ન આપવાની શરતે એરપોર્ટ પરની પરિસ્થિતિને ભયાનક ગણાવી હતી. તેમણે કહ્યું કે તે ટેક્સી મેળવી શકતા નથી. મેટ્રો સ્ટેશનમાં લોકો સૂઈ રહ્યા છે. એરપોર્ટ પર લોકો સૂઈ રહ્યા છે.
સમગ્ર દુબઈમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનો રસ્તા પર છોડી દેવામાં આવ્યા હતા. દુબઈ મોલ અને અમીરાતના મોલ જેવા લોકપ્રિય શોપિંગ સેન્ટરોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. દુબઈથી લગભગ ૧૩૦ કિલોમીટર દૂર આવેલા અલ આઈન શહેરમાં ૨૫૪ મીમીનો રેકોર્ડ વરસાદ નોંધાયો હતો. યુએઈના પૂર્વી કિનારે સ્થિત ફુજૈરાહમાં મંગળવારે ૧૪૫ મીમી વરસાદ નોંધાયો હતો.
આટલા વરસાદનું કારણ શું હોઈ શકે?
આ ભારે વરસાદનું પ્રાથમિક કારણ તોફાન સિસ્ટમ હતી. જે અરબી દ્વીપકલ્પમાંથી પસાર થઈને ઓમાનના અખાતમાં આગળ વધી રહી હતી. કેટલાક વૈજ્ઞાનિકો ક્લાઈમેટ ચેન્જને આનું કારણ માની રહ્યા છે, એક કારણ કૃત્રિમ વરસાદ પણ માનવામાં આવી રહ્યું છે. એક સમાચાર અનુસાર યુએઇમાં દુષ્કાળને પહોંચી વળવા માટે કૃત્રિમ વરસાદ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ વરસાદનું આ પણ એક કારણ હોઈ શકે છે.
યુએઈમાં ઉનાળા દરમિયાન ગરમીનો પારો ૫૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. માનવામાં આવે છે કે યુએઈએ પાણીની તંગીને પહોંચી વળવા માટે ક્લાઉડ સીડિંગની પદ્ધતિ બનાવી છે. જેના દ્વારા કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે.
શું આ ઘટના માટે હવામાન પરિવર્તન જવાબદાર છે?
કેટલાક નિષ્ણાતોએ સૂચવ્યું છે કે આ ઘટના પાછળ વૈશ્વિક તાપમાનમાં વધારો પણ હોઈ શકે છે. ઊંચા તાપમાને માત્ર જમીનમાંથી જ નહીં પરંતુ મહાસાગરો અને અન્ય જળાશયોમાંથી પણ પાણીનું બાષ્પીભવન થાય છે, એટલે કે ગરમ વાતાવરણમાં વધુ ભેજ હોય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સરેરાશ તાપમાનમાં દર ૧ ડિગ્રી સેલ્સિયસના વધારા માટે, વાતાવરણ લગભગ ૭ % વધુ ભેજ જાળવી શકે છે. આ તોફાનને વધુ ખતરનાક બનાવે છે કારણ કે તે વરસાદની તીવ્રતા, અવધિમાં વધારો કરે છે, જે આખરે ગંભીર પૂરનું કારણ બની શકે છે.
ભારતના થાર રણ અને ઓસ્ટ્રેલિયાના રણ પ્રદેશો પર આધારિત અભ્યાસ દર્શાવે છે કે આબોહવા પરિવર્તન આ વિસ્તારોમાં વધુ વરસાદ તરફ દોરી શકે છે.