પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે તેમના ડાબા પગ અને પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે જમણા ખભા, હાથ અને ડોક પર પણ ઈજા પહોંચી છે.
કોલકાતાના એક સરકારી હૉસ્પિટલ એસએસકેએમના વરિષ્ઠ તબીબ ડૉક્ટર એમ. બંદોપાધ્યાયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું, “મુખ્ય મંત્રીને આગામી 48 કલાક સુધી દેખરેખ હેઠળ રખાયાં છે. હજુ વધારે તપાસની જરૂર છે. તેમની સ્થિતિ જોયા બાદ અમે આગળની સારવાર માટેનો નિર્ણય લઈશું.”
તેમણે કહ્યું કે મમતા બેનરજીએ નંદીગ્રામમાં કથિત હુમલા બાદ છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી જે બાદ ડૉક્ટરોએ તેમના સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવાનો નિર્ણય કર્યો.
ડૉક્ટરે જણાવ્યું કે મુખ્ય મંત્રીને હળવો તાવ પણ હતો અને બાંગુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુરૉસાયન્સમાંથી એમઆરઆઈ કરાવાયા બાદ તેમને એસએસકેએમ હૉસ્પિટલના વિશેષ વૉર્ડમાં શિફ્ટ કરી દેવાયાં હતાં.
રાજ્ય સરકારે તેમની સારવાર માટે પાંચ તબીબોની એક ટીમ રચી છે. તેમાં એક કાર્ડિયોલૉજિસ્ટ, એક ઍન્ડોક્રાઇનૉલોજિસ્ટ, એક સર્જન, એક ઑર્થોપીડિસ્ટ અને એક મેડિસિન ડૉક્ટર સામેલ છે.