અરવિંદ કેજરીવાલ અને કે.કવિતાની ૧૪ દિવસ સુધી વધારાઈ ન્યાયિક કસ્ટડી

૭ મે સુધી જેલમાં જ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી

દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હી લિકર પૉલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે. કવિતાની ન્યાયિક કસ્ટડી ૭ મે સુધી વધારવામાં આવી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ત્રણેયની કસ્ટડી ૧૪ દિવસ સુધી વધારવામાં આવી છે. આ રીતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હજુ તિહાર જેલમાં જ રહેવું પડશે. કવિતાને પણ તિહાર જેલમાં રાખવામાં આવી છે.

રાઉઝ એવેન્યૂ કોર્ટે કવિતાની ન્યાયિક કસ્ટડી સીબીઆઈના કેસમાં વધારી છે, જે દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલ છે. કેજરીવાલ, કવિતા અને ચનપ્રીતને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા. અરવિંદ કેજરીવાલની ઈડીએ ગત મહિનાની ૨૧ માર્ચથી ધરપકડ કરી હતી. આ રીતે કેજરીવાલની ધરપકડના અઠવાડિયા પહેલા ૧૫ માર્ચે હૈદરાબાદથી ઈડીએ કવિતાની ધરપકડ કરી. ચનપ્રતીની ધરપકડ ૧૫ એપ્રિલે થઈ હતી.

બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેજરીવાલ અને આપ વિરુદ્ધ વધુ એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઈડી ૧૫મી મે પહેલા લિકર પોલિસી કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી શકે છે, જેમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવી શકે છે.

અહેવાલો અનુસાર,ઈડીની પૂરક ચાર્જશીટ તૈયાર કરવાનું કામ અંતિમ તબક્કામાં છે. જૂની ચાર્જશીટમાં સામેલ લોકો સિવાય ૪-૫ નામ નવા પણ હોઈ શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતાની કવિતા ઉપરાંત ગોવાના આપ કાર્યકર ચનપ્રીત સિંહનું નામ પણ પૂરક ચાર્જશીટમાં આવી શકે છે. ગોવા વિધાનસભા ચૂંટણીમાં ચેનપ્રીત સિંહ પર આપના ફંડિંગનું સંચાલન કરવાનો આરોપ છે. ૧૫મી એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી આરોપી બનશે? 

અગાઉ ૧૬મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીનની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને એસ.વી. ભાટીની બેન્ચ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે, ‘અમે (ED) તપાસ માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ ૭૦ હેઠળ આમ આદમી પાર્ટીને આરોપી બનાવવાનું વિચારી રહ્યા છીએ.’

શું આમ આદમી પાર્ટીની સંપત્તિ જપ્ત કરવામાં આવશે?

પીએમએલએની કલમ ૭૦માં કંપનીઓ સંબંધિત ગુનાઓ માટેની જોગવાઈઓ છે. જો કે, કંપની એક્ટ ૨૦૧૩ હેઠળ કોઈપણ રાજકીય પક્ષને કંપની તરીકે ગણવામાં આવતો નથી. પરંતુ ઈડી અધિકારીઓએ દલીલ કરી છે કે એક્ટમાં એવી જોગવાઈ છે, જે કોઈપણ રાજકીય પક્ષને કાયદાના દાયરામાં લાવી શકે છે. ઈડીની દલીલ છે કે  આપએ લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ હેઠળ નોંધાયેલ રાજકીય પક્ષ છે અને તે લોકોનું સંગઠન પણ છે, તેથી પીએમએલએની કલમ ૭૦ હેઠળ, તે કંપનીમાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *