ગુજરાતમાં મતદાર યાદીમાં કુલ ૫ કરોડ મતદાર, જેમાં યુવા ૧.૧૬ કરોડ, ફર્સ્ટ ટાઈમ વોટર કેટલાં ?
લોકસભાની સામાન્ય તેમજ વિધાનસભાની પેટાચૂંટણી માટે ૭ મી મે એ મતદાન થવાનું ત્યારે રાજ્યના આશરે પાંચ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં છેલ્લા આખરી આંકડા પ્રમાણે ૪,૯૭,૬૮,૬૭૭ મતદારો નોંધાયા છે. આ યાદીમાં ૧૮ થી ૧૯ વર્ષના યુવા મતદારોની સંખ્યા ૧૨,૨૦,૪૩૮ થવા જાય છે, જેઓને પ્રથમ વખત તક મળશે.
રાજ્યમાં મતદારોની સંખ્યા પાંચ કરોડ
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ૫ મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં ૪.૯૪ કરોડ મતદારો હતા.
૯ મી એપ્રિલે મળેલી નવી અરજીઓ પૈકી ૩,૧૯,૨૦૯ મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ૨,૫૬,૧૬,૫૪૦ પુરૂષ, ૨,૪૧,૫૦,૬૦૩ મહિલા અને ત્રીજી જાતિના ૧૫૩૪ મતદારોનો સમાવેશ થાય છે.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે ૧૫ મી માર્ચ ૨૦૨૪ સુધીમાં અરજી કરનારા તમામ નાગરિકોને એપિક કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ૨૭ મી એપ્રિલે અમદાવાદમાં બીજો સ્ટેટ લેવલ પોસ્ટલ બેલેટ એક્સચેન્જ ફેર યોજાશે.
રાજ્યમાં ૪૯,૧૪૦ મતદાન મથકો…
રાજ્યમાં કુલ ૨૭,૫૫૫ સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા ૯૦૦ મતદારો નોંધાયા છે.
૭ મી મે ના રોજ યોજાનારી ચૂંટણી માટે ૨૭ મી એપ્રિલ સુધીમાં ઇવીએમના બીજા રેન્ડમાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. કુલ ૨૫ સંસદીય મતવિસ્તારોમાં ૪૯,૧૪૦ મતદાન મથકોમાં મતદાન થશે.
જે પૈકી અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગના ૧૮૨૦ મતદાન મથકોમાં ૨ BUનો વપરાશ થશે. એ ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણીઓમાં ૧૨૮૨ મતદાન મથકોમાં મતદાન થશે.
૨૨૭૦૧ લોકોએ હોમ વોટિંગની અરજી કરી…
રાજ્યમાં ૮૫ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ૧૮,૪૯૦ વરિષ્ઠ મતદારો તેમજ ૪૦ % કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૪૨૧૧ દિવ્યાંગ મતદારો મળી કુલ ૨૨,૭૦૧ મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી છે. આ ઉપરાંત આવશ્યક સેવાઓમાં રોકાયેલા ૫૫૧૮ મળી કુલ ૨૮,219 ફોર્મ-૧૨D મળ્યાછે.
૨૮મીએ નો યોર પોલિંગ સ્ટેશન અભિયાન
મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો વિષે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન લોકેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન કરવા જવાનું છે તે અંગે મતદારો મૂંઝવણ અનુભવતા હોય છે. આઠે ૨૮ મી એપ્રિલે રાજ્યમાં નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં બુથ લેવલ ઓફિસર સવારે ૯ થી ૧૨:૩૦ સુધી મતદાર યાદી સાથે મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થા વિષે માહિતગાર કરશે.