ગુજરાતમાં ૪૦ ડિગ્રીથી નીચે ગરમી છે પરંતુ ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. એટલે આગામી દિવસોમાં આગ ઝરતી ગરમી પડે તેવી શક્યતાઓ છે.
એપ્રિલ મહિનો પુરો થવાના આરે છે ત્યારે ગુજરાતમાં ગરમીએ પણ ધીમે ધીમે ગતિ પકડી છે. થોડા દિવસની રાહત બાદ સૂર્યદાદા ફરી અગન જવાળાઓ વરસાવવા લાગ્યા છે. અમદાવાદમાં ગરમીની વાત કરીએ તો અમદાવાદમાં ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. અમદાવાદમાં મંગળવારે ૩૯.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે ૪૦ ડિગ્રીને પાર કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ગુજરાતમાં ગરમીએ ફરી ૪૦ ડિગ્રીની સપાટી વટાવી
ગુજરાતમાં ગરમી અંગે વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી ગયો છે. વિદ્યાનગર ૪૦.૭ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતમાં મંગળવારે ૩૦ ડિગ્રીથી લઈને ૪૦ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. જેમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન દ્વારકામાં ૩૦.૨ ડિગ્રી નોંધાયું હતું.
આ શહેરોમાં નોંધાયું ૩૯થી વધુ તાપમાન
ગુજરાતના વિવિધ શહેરોની વાત કરીએ તો મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભૂજ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ૩૯ ડિગ્રી કરતા વધારે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયા, કંડલા પોર્ટ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, ઓખામાં ગરમીનો પારો ૩૫ ડિગ્રી કરતા ઓછો નોંધાયો હતો.
અમદાવાદમાં ગરમીની શું છે સ્થિતિ?
થોડા દિવસની આંશિક રાહત બાદ અમદાવાદમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધીમે ધીમે ગરમીનો પારો વધવા લાગ્યો છે. અમદાવાદમાં ગરમીએ ૩૯ ડિગ્રીની સપાટી વટાવી દીધી છે. જે વધી રહી છે. આજે અમદાવાદમાં ગરમી ૪૦ ડિગ્રી વટાવે તેવી શક્યતાઓ છે.
અમદાવાદમાં સવારે થોડી ઠંડક અનુભવાયા બાદ બપોરના સમયે અગન જવાળાઓનો અહેસાસ થાય છે. રસ્તાઓ ઉપર લોકોની અવરજવર પણ ધીમી પડી ગઈ છે. બપોરના સમયે મોટાભાગના લોકો કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે. અધિકારીઓએ પણ કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. જ્યારે હવામાન વિભાગ તરફથી શહેરમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરાવમાં આવ્યું છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | ૩૯.૬ | ૨૫.૦ |
ડીસા | ૩૮.૪ | ૨૪.૧ |
ગાંધીનગર | ૩૯.૬ | ૨૫.૫ |
વલ્લભ વિદ્યાનગર | ૪૦.૭ | ૨૫.૪ |
વડોદરા | ૩૯.૨ | ૨૪.૬ |
સુરત | ૩૮.૨ | ૨૫.૭ |
વલસાડ | ૩૬.૨ | ૧૯.૮ |
દમણ | ૩૩.૨ | ૨૪.૪ |
ભુજ | ૩૯.૨ | ૨૨.૯ |
નલિયા | ૩૩.૦ | ૨૩.૪ |
કંડલા પોર્ટ | ૩૪.૪ | ૨૩.૮ |
કંડલા એરપોર્ટ | ૩૮.૪ | ૨૩.૪ |
અમરેલી | ૩૯.૬ | ૨૪.૦ |
ભાવનગર | ૩૮.૨ | ૨૪.૯ |
દ્વારકા | ૩૦.૨ | ૨૬.૦ |
ઓખા | ૩૩.૪ | ૨૫.૩ |
પોરબંદર | ૩૪.૧ | ૨૨.૫ |
રાજકોટ | ૩૯.૭ | ૨૨.૩ |
વેરાવળ | ૩૧.૬ | ૨૪.૩ |
દીવ | ૩૨.૮ | ૨૨.૪ |
સુરેન્દ્રનગર | ૩૯.૭ | ૨૪.૮ |
મહુવા | ૩૮.૦ | ૨૩.૫ |
કેશોદ | ૩૭.૫ | ૨૨.૧ |
હવામાન વિભાગનું શું કહેવું છે
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધતી દેખાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગરમી ૩૯ ડિગ્રી પહોંચી ગઈ છે જ્યારે કેટલાક શહેરોમાં ૪૦ ડિગ્રીને પાર કરી ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડશે અને ગરમીનો પારો હજી પણ વધારે પહોંચશે એવું હવામાન વિભાગનું અનુમાન છે.