
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના બીજા તબક્કા માટે આવતી કાલે ૨૬મી એપ્રિલના રોજ મતદાન થશે. આ તબક્કા હેઠળ કેરળની વાયનાડ લોકસભા બેઠક પર પણ મતદાન થવાનું છે. આ બેઠક એટલા માટે ખાસ છે કે આ બેઠક પર રાહુલ ગાંધી ફરી એકવાર ઉમેદવાર છે. અહીં તેમની સીધી ટક્કર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના નેતા એની રાજા સાથે થશે. એવામાં રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પર પણ ઉમેદવારી નોંધાવશે, જયારે પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પર ચૂંટણી લડી શકે છે. હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ 1લી મેના રોજ રાહુલ અને પ્રિયંકા ફોર્મ ભરે એવી શક્યતા છે.
રાયબરેલી અને અમેઠી આ બંને બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ૨૬ એપ્રિલથી શરૂ થઇ જશે, કેરળમાંની વાયનાડ બેઠક પર મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ આ બેઠકો અંગે કાર્યવાહી શરુ કરી શકે છે, આ બેઠકો પર ઉમેદવારીની જાહેરાત પહેલા પ્રિયંકા અને રાહુલ અયોધ્યા જઈને રામ લલ્લાના દર્શન કરી શકે છે. આ બંને લોકસભા બેઠકો પર રોજ ૫ માં તબક્કા હેઠળ ૨૦ મેના રોજ મતદાન થશે.
૩૦ એપ્રિલ પહેલા આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે નહીં. કોંગ્રેસ હાઈકમાન્ડ સહિત પાર્ટીના ઘણા નેતાઓ રાયબરેલી અને અમેઠીમાં ઉમેદવારોના મુદ્દે મૌન છે. અમેઠીથી ચૂંટણી લડવાના સવાલ પર રાહુલ ગાંધીએ પોતે કહી ચુક્યા છે કે આ નિર્ણય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ લેશે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે હું કોંગ્રેસનો સૈનિક છું અને મને જે આદેશ આપવામાં આવશે તેનું પાલન કરીશ.
કોંગ્રેસના કોમ્યુનિકેશન સેલના પ્રભારી જયરામ રમેશ સહિત અન્ય ઘણા નેતાઓએ સંકેત આપ્યા હતા કે રાહુલ અને પ્રિયંકા ઉત્તર પ્રદેશથી લોકસભા ચૂંટણી લડશે. તાજેતરમાં, અમેઠીમાં જ્યાં રાહુલ રહે છે તે ઘરની સફાઈ અને પેઇન્ટિંગ કરવામાં આવ્યું હોય એવી તસવીરો પણ વાયરલ થઇ હતી. રાહુલ ગાંધીની ટીમે પણ અમેઠીમાં પડાવ નાંખવાનું શરૂ કરી દીધું છે.