કિરીટ પરમાર અમદાવાદના 42મા મેયર : ગીતા પટેલ ડેપ્યુટી મેયર

અમદાવાદ શહેરના મેયર-ડેપ્યુટી મેયર સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂંક કરવા પાલડીના ટાગોરહોલ ખાતે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભામાં શહેરના 42માં મેયર તરીકે કિરીટ પરમારની તેમજ ડેપ્યુટી મેયર તરીકે ગીતાબહેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હીતેશ બારોટ, દંડક તરીકે અરૂણસિંહ રાજપૂત જયારે પક્ષનેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂ થયેલી વર્ષ-2021થી નવી ટર્મના હોદ્દેદારોની વરણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વર્ચસ્વ જોવા મળ્યું છે. મ્યુનિસિપલ હોદ્દેદારોની કરવામાં આવેલી નિમણૂંક બાદ ભાજપ દ્વારા જ્ઞાાતિ આધારીત સમીકરણોને બેલેન્સ કરવા મેયર શિડયુઅલ કાસ્ટમાંથી પસંદ કરવા ઉપરાંત ડેપ્યુટી મેયર મહિલા હોવાપરાંત પાટીદાર છે.તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બક્ષી પંચમાંથી પસંદ કરવામાં આવ્યા છે.દંડક તરીકે હીંદીભાષી અને પક્ષનેતા તરીકે બ્રાહ્મણ જ્ઞાાતિના કોર્પોરેટરની વરણી કરવામાં આવી છે.

શહેરના ટાગોરહોલ ખાતે બુધવારે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભાના આરંભે મ્યુનિસિપલ કમિશનરે ચૂંટણી પ્રક્રીયા હાથ ધરી હતી.આ પ્રક્રીયા દરમ્યાન મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે જેમને ઉમેદવારી કરવી હોય એમને દાવેદારી રજુ કરવા સમય આપવામાં આવ્યો હતો.નિયત સમયમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે માત્ર બે નામ જ સામે આવ્યા હતા.

કોંગ્રેસ તરફથી એક પણ પદ માટે ઉમેદવાર ઉભા રાખવામાં ના આવતા શહેરના 42માં મેયર તરીકે ઠકકરબાપાનગર વોર્ડમાંથી ત્રીજી ટર્મ માટે ચૂંટાઈને આવેલા કિરીટ પરમારની મેયર પદ માટે અને ગીતાબહેન પટેલની ડેપ્યુટી મેયર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.કમિશનર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ ભાજપના હાજર કોર્પોરેટરોએ ભારત માતા કી જય અને વંદેમાતરમના સૂત્રો સાથે હોલ ગજવી મુકયો હતો.

અધ્યક્ષસ્થાનેથી મેયરે સ્ટેન્ડિંગ કમિટી માટે મંજુર કરવામાં આવેલા બાર નામોની જાહેરાત કરી હતી.જે સત્તરના ઉમેદવારી પત્ર સેક્રેટરી સમક્ષ મંગળવારે ભરવામાં આવ્યા હતા. એ પૈકી જતીન પટેલ, જૈનિક વકીલ, પ્રિતેશ મહેતા, પરેશ પટેલ અને શંકર ચૌધરીના ઉમેદવારીપત્ર પરત લેવામાં આવતા જ સ્પષ્ટ બન્યુ હતુ કે,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હીતેશ બારોટની વરણી કરવામાં આવશે.

એ પ્રમાણે 33 વર્ષ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે બક્ષીપંચના કોર્પોરેટરની નિમણૂંક કરવામાં આવી છે.1987માં સ્વ.પ્રફૂલ્લ બારોટને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવાયા હતા.દંડક તરીકે અરૂણસિંહ રાજપૂત અને પક્ષનેતા તરીકે ભાસ્કરભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *