અમદાવાદ : ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ તથા શ્રમયોગીઓએ ‘મતદાન અવશ્ય કરીશું’નો સંકલ્પ લીધો

અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ તેમજ શ્રમયોગી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા તૈયાર છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ ઓદ્યોગિક એકમોમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદના ૫૦ હજારથી વધુ કર્મચારીઓ તથા શ્રમયોગીઓ  ‘મતદાન અવશ્ય કરીશું’નો સંકલ્પ લઈ ચૂક્યા છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમદાવાદ તેમજ ચૂંટણી શાખા અને કલેકટરની કચેરી અમદાવાદ દ્વારા જિલ્લાના અગ્રગણ્ય ઔદ્યોગિક એકમો સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમને લઇને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક બાદ અમદાવાદ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો તથા અન્ય ઔદ્યોગિક વિસ્તારોનો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અલગ અલગ ટીમો દ્વારા નરોડા જી.આઈ.ડી.સી., વટવા જી.આઈ.ડી.સી., ઓઢવ જી.આઈ.ડી.સી., કઠવાડા જી.આઈ.ડી.સી.માં અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં તેમજ અન્ય ઔદ્યોગિક વિસ્તારો જેવા કે નારોલ, પિરાણા, પીપળજ, બાકરોલ વગેરે વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક એકમોને રૂબરૂ સંપર્ક કરી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતદાન અવશ્ય કરીએ એ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમો થકી ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ શ્રમયોગીઓમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *