આવતીકાલે ૧૩ રાજ્યની ૮૯ બેઠક પર મતદાન થશે. લોકસભા ચૂંટણી ૨૦૨૪નું આ બીજા તબક્કાનું મતદાન છે. આ મતદાનમાં એવા ઘણા મોટા નેતાઓની બેઠકનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ ક્યાં કોનું પલડું ભારે છે.
વાયનાડઃ આવતીકાલે થનારા મતદાનની સૌથી હૉટ સિટ આ છે. અહીં કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બીજી વખત મેદાને પડ્યા છે. રાહુલ ગત ચૂંટણીમાં ૪.૩૧ લાખની સરસાઈથી જીત્યો હતો. જોકે આ વખતે રાહુલ માટે જંગ આસાન નહીં હોય. અહીંથી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા એની રાજાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના ઉમેદવાર કે. સુરેન્દ્રન પણ અહીંથી લડી રહ્યા છે. બન્ને મજબૂત ઉમેદવાર હોવાનું કહેવાય છે.


થિરૂવંથપુરમઃ કેરળની આ બેઠક તેના બન્ને ઉમેદવારને લીધે ચર્ચાનો વિષય બની છે. અહીંથી કૉંગ્રેસના ઉચ્ચ શિક્ષિત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ ધરાવતા નેતા શશી થરૂર ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૦૯થી ૨૦૧૯ સુધી તેઓ અહીંથી જીત્યા છે. આ વખતે ભાજપના કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર અને CPIના પન્નીયમ રાવેન્દ્રન મેદનમાં છે. જોકે તેમ છતાં થરૂરનું પલડું ભારે હોવાનું માનવામાં આવે છે.



મથૂરાઃ આ બેઠક પર અભિનેત્રી હેમા માલિની ત્રીજીવાર લડી રહી છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં તેણે ભારે સરસાઈથી અહીં વિજય મેળવ્યો હતો. અગાઉ કૉંગ્રેસ દ્વારા બૉક્સિંગ સ્ટાર વિજેન્દ્ર સિંહને હેમા માલિની સામે બાથ ભિડવા કૉંગ્રેસ ઉતારવાની હતી, પરંતુ અચાનક તેણે ભાજપમાં પ્રવેશ કરતા હવે એઆઈસીસીના સભ્ય મુકેશ ડાંગરને ઉતાર્યા છે. આ બેઠક પર રાષ્ટ્રીય લોક દળ પણ વર્ચસ્વ ધરાવે છે, છતાં હેમા માલિની ફરી જીતી હેટ્રિક મારશે તેમ માનવામાં આવે છે.


મેરઠઃઅહીંથી ટીવી પરના ભગવાન રામ એટલે કે અરૂણ ગોવિલ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના વર્તમાન સાંસદ રાજેન્દ્ર અગ્રવાલને ટિકિટ ન આપતા અરૂણ ગોવિલન આપી છે. તેમની સામે બહુજન સમાજ પક્ષના દેવવ્રત કુમાર ત્યાગી અને સમાજવાદી પક્ષના સુનીતા વર્મા ચૂંટણી લડી રહ્યા છે. અહીં ત્રિપાંખીયો જંગ છે.



કોટા બુંદીઃકોટા આમ તો કૉંગ્રેસનો ગઢ છે, પણ બે ટર્મથી લોકસભાના સ્પીકર ઓમ બિરલા અહીંથી જીતે છે. આ વખતે તેઓ ત્રીજીવાર માટે ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસના પ્રહલાદ ગુંજલ લડી રહ્યા છે. ઓમ બિરલા પણ અહીં સારું વર્ચસ્વ ધરાવે છે. તેઓ અહીં વિધાનસભ્ય પણ રહી ચૂક્યા છે.


રાજનંદગાંવઃછત્તીસગઢનો આ લોકસભા વિસ્તાર ભાજપના વર્તમાન સાંસદ સંતોષ પાંડેય અને કૉંગ્રેસના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલ વચ્ચેનું યુદ્ધ મેદાન છે. ત્રણ દાયકાથી રાજનંદગાંવ ભાજપનો ગઢ રહ્યો છે, પણ ભુપેશ બઘેલની ઉમેદવારીએ આ આ બેઠક પર રસાકસી વધારી દીધી છે.


બેંગલુરુ દક્ષિણઃભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના સાંસદ તેજસ્વી સૂર્યા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમની સામે ઊભેલા કૉંગ્રેસના સૌમ્યા રેડ્ડી પણ એટલા જ શક્તિશાળી છે. જોકે ગઈ ચૂંટણીમાં ભાજપ ભારે બહુમતથી જીત્યું હતું, પરંતુ બેંગલુરુમાં ઊભી થયેલી પાણીની સ્થિતિ અને કર્ણાટકમાં કૉંગ્રેસ સરકાર હોવાથી આ બેઠક પર પરિણામો ચોંકાવનારા પણ આવી શકે છે.


બેંગલુરુ ગ્રામીણઃકર્ણાટકમાંથી ૨૦૧૯માં વિજયી બનેલા એકમાત્ર કૉંગ્રેસ નેતા ડી.કે.સુરેશ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ભાજપ-જેડીએસ દ્વારા કાર્ડિયાક સર્જન સી.એન. મંજૂનાથ કમળના ચિહ્ન પરથી ચૂંટણી લડી રહ્યા છે. સુરેશ રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શિવકુમારના ભાઈ છે જ્યારે મંજૂનાથ પૂર્વ મુખ્ય પ્રધાન દેવેગૌડાના જમાઈ છે. બન્ને આમ તો વંશવારસાને લીધે ઉમેદવાર બન્યા છે, પરંતુ ડી કે સુરેશ હેટ્રિક મારશે તેમ માનવામાં આવે છે.

