ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની ચૂંટણીમાં ૧૧૯૮ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૧,૦૯૭ પુરુષ અને ૧૦૦ મહિલા ઉમેદવારો છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં શુક્રવારે ૨૬ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ૧૩ રાજ્યોની ૮૮ બેઠકો પર મતદાન થશે. આ પહેલા બીજા તબક્કામાં ૮૯ સીટો પર વોટિંગ થવાનું હતું પરંતુ મધ્ય પ્રદેશની બૈતુલ સીટ પર બસપા ઉમેદવારના નિધન બાદ હવે તે સીટ પર ૭ મેના રોજ ચૂંટણી થશે.
આ રાજ્યોમાં થશે મતદાન
બીજા તબક્કામાં કેરળની ૨૦, કર્ણાટકની ૧૪, રાજસ્થાનની ૧૩, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની ૮-૮, મધ્યપ્રદેશની ૬, આસામ અને બિહારની ૫-૫, બંગાળ અને છત્તીસગઢની ૩-૩, મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં એક-એક બેઠક પર મતદાન થશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની ચૂંટણીમાં ૧૧૯૮ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૧,૦૯૭ પુરુષ અને ૧૦૦ મહિલા ઉમેદવારો છે. એક ઉમેદવાર થર્ડ જેન્ડર છે.
રાહુલ ગાંધી, હેમા માલિની સહિત આ દિગ્ગજોની સીટ પર મતદાન
આ તબક્કામાં વાયનાડથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, કર્ણાટકમાં ભાજપના તેજસ્વી સૂર્યા, ઉત્તર પ્રદેશમાં હેમા માલિની અને અરુણ ગોવિલ, કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ભાગ્યનો ફેંસલો થશે.
લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાઈ રહી છે. ૧૯ એપ્રિલે યોજાયેલા પ્રથમ તબક્કામાં ૧૦૨ સીટો પર વોટિંગ થયું હતું. બીજા તબક્કાનું મતદાન ૨૬ એપ્રિલના રોજ છે. ૪ જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે.