ગુરચરણ સિંહ ૨૨ એપ્રિલના રોજ સવારે ૦૮:૩૦ વાગ્યે મુંબઈ જવા રવાના થયો હતો. તે ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ ગયો હતો પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો હતો કે ન તો ઘરે પાછો ફર્યો.

ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ છેલ્લા ચાર દિવસથી ગુમ હોવાના અહેવાલ છે. આ માહિતી તેમના પિતા તરફથી દિલ્હી પોલીસને આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર દિવસથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. સમાચારોમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુરચરણ સિંહ સોમવારે દિલ્હી એરપોર્ટના ઘરેથી નીકળીને મુંબઈ જઈ રહ્યો હતો, પરંતુ મુંબઈ પહોંચ્યો નથી અને ઘરે પણ પરત ફર્યો નથી.
૨૨ એપ્રિલના રોજ સવારે મુંબઈ જવા રવાના થયો હતો
ઇ-ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ગુરચરણ સિંહના પિતાએ દિલ્હી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે તેમનો પુત્ર ગુરચરણ સિંહ ૨૨ એપ્રિલના રોજ સવારે ૦૮:૩૦ વાગ્યે મુંબઈ જવા રવાના થયો હતો. તે ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ ગયો હતો પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો હતો કે ન તો ઘરે પાછો ફર્યો હતો.
અભિનેતા સાથે ફોનથી પણ કોઈ સંપર્ક થઇ રહ્યો નથી. તેના પિતાએ કહ્યું કે ગુરુચરણની માનસિક સ્થિતિ સારી છે. તેઓએ પુત્રની શોધ કરી પરંતુ તે મળી શક્યો નહીં. અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા તેના પિતાનો જન્મદિવસ ઉજવવા માટે દિલ્હી ગયો હતો.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો
આપને જણાવી દઈએ કે ગુરચરણ સિંહ છેલ્લે ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળ્યા હતા. તેમાં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. બાદમાં તેણે ૨૦૨૦ માં આ શો છોડી દીધો હતો. ગુરુચરણે તેમના પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો હવાલો આપીને શો છોડી દીધો હતો.
તે સમયે તેણે કહ્યું કે તે પોતાનો તમામ સમય તેના પરિવારને આપવા માંગે છે. જોકે એવા અહેવાલો પણ આવ્યા હતા કે શો ના નિર્માતાઓએ અન્ય કલાકારોની જેમ ગુરુચરણને પણ પોતાની બાકીની રકમ આપી નથી. જેનિફર મિસ્ત્રીએ જ્યારે તેમની સામે અવાજ ઉઠાવ્યો ત્યારે મેકર્સે તેની બાકી નીકળતી રકમ પરત કરી હતી.