‘હેરી પોટર કેસલ’ રશિયન મિસાઈલનો શિકાર બન્યો, ૫ લોકોના મોત; ૩૦ ઘાયલ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરરોજ બંને દેશો એકબીજા પર હુમલા કરતા રહે છે. 

તાજેતરમાં, દક્ષિણ બંદર શહેર ઓડેસાથી એક હુમલો આવ્યો છે, જ્યાં ‘હેરી પોટર કેસલ’ તરીકે ઓળખાતી યુક્રેનિયન ઇમારત પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે. આ સિવાય આ હવાઈ હુમલામાં 30 લોકો ઘાયલ થયા છે.યુક્રેનના અધિકારીઓનું માનવું છે કે રશિયાએ હુમલાને અંજામ આપવા માટે ઈસ્કેન્ડર બેલેસ્ટિક મિસાઈલ અને ક્લસ્ટર મ્યુનિશનનો ઉપયોગ કર્યો હતો.

યુક્રેનના અધિકારીઓનું માનવું છે કે રશિયાએ મહત્તમ નુકસાન પહોંચાડવા માટે ખતરનાક હથિયારથી હુમલો કર્યો છે. યુક્રેનના અધિકારીએ કહ્યું કે ‘તપાસ ચાલુ છે, અમે યુક્રેનના શાંતિપૂર્ણ શહેરો પર હુમલો કરનારાઓને શોધીને તેમની સામે કાર્યવાહી કરીશું.’

બીજી તરફ રશિયાએ કહ્યું કે ક્રિમિયામાં તેની એર ડિફેન્સ સિસ્ટમ યુક્રેન દ્વારા કરવામાં આવેલા મોટા મિસાઈલ અને ડ્રોન હુમલાને રોકવામાં સફળ રહી છે. સીએનએનના અહેવાલ મુજબ, રશિયન અધિકારીઓએ એમ પણ કહ્યું કે આ હુમલો મુખ્યત્વે યુએસ દ્વારા પ્રદાન કરવામાં આવેલી છ આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યો હતો. રશિયાએ કહ્યું કે આ તમામ મિસાઇલોને તેની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ રશિયન સરહદથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા યુક્રેનિયન શહેર ખાર્કિવ પર ગ્લાઈડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે નાગરિકો ઘાયલ થયા હતા. આ હુમલામાં એક બહુમાળી રહેણાંક મકાનને પણ નુકસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *