રાહુલને રાયબરેલીથી ઉતારી કોંગ્રેસે માર્યો માસ્ટર સ્ટ્રોક?

ભાજપના ઘણાં પ્લાન પર પાણી ફેરવ્યું

 રાહુલને રાયબરેલીથી ઉતારી કોંગ્રેસે માર્યો માસ્ટર સ્ટ્રોક? ભાજપના ઘણાં પ્લાન પર પાણી ફેરવ્યું!

કોંગ્રેસે આખરે ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના ગઢ ગણાતી રાયબરેલી અને અમેઠી લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધી અને અમેઠી બેઠક પરથી કિશોરી લાલ શર્મા  ને ટિકિટ આપવામાં આવી છે. બંને નેતાઓ આજે ઉમેદવારી પત્ર ભરશે, જેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા માટે અમેઠીને બદલે રાયબરેલી સીટ પસંદ કરવાનું કારણ શું છે?

પરંપરાગત બેઠક મનાય છે કોંગ્રેસની 

અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો માનવામાં આવે છે. ગત લોકસભા ચૂંટણીમાં અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને જીત મેળવી હતી. સ્મૃતિ ઈરાની ફરી ચૂંટણી મેદાનમાં છે, જેમની સામે કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી હવે તેમની માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે. અમેઠીને બદલે રાયબરેલીમાંથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવું એ કોંગ્રેસની સમજી વિચારેલી વ્યૂહરચનાનો ભાગ છે.

અમેઠીની બેઠક છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાનો રાહુલ ગાંધીનો નિર્ણય ચૂંટણી હારવાના ડરને કારણે નથી પરંતુ ભાજપની રણનીતિને નિષ્ફળ કરવાનો ઈરાદો હોવાનું માનવામાં આવે છે. ૨૦૨૪ની ચૂંટણીનો માહોલ સંપૂર્ણપણે મોદી વિરુદ્ધ રાહુલની આસપાસ જ લાગે છે. આવી સ્થિતિમાં જો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા હોત તો આ નેરેટિવ રાહુલ વિરુદ્ધ ઈરાનીમાં બદલાઈ ગયું હોત. આ પ્રકારના કોઈ વિચારો પેદા ન થાય તે માટે કોંગ્રેસે રાહુલ ગાંધીને અમેઠીને બદલે રાયબરેલીથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગે છે.

રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડ્યા હોત તો પ્રિયંકા ગાંધીને રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર બનવાની ફરજ પડી હોત. પ્રિયંકા ગાંધીને લોકસભાની ચૂંટણી લડવામાં રસ નહોતો. તેની પાછળનું કારણ એ હતું કે જો પ્રિયંકા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોત તો ભાજપને ભાઈ-ભત્રીજાવાદ કે પરિવારવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરવાની તક મળી હોત. એટલું જ નહીં, જો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ચૂંટણી લડ્યા હોત, તો તેઓએ પોતપોતાની બેઠકો પર વ્યસ્ત રહેવું પડત. આવી સ્થિતિમાં દેશના અન્ય ભાગોમાં પણ કોંગ્રેસના ચૂંટણી પ્રચારને અસર થવાની સંભાવના હતી. જો રાહુલ અને પ્રિયંકાએ તેમના વિસ્તાર માટે ઓછો સમય ફાળવ્યો તો વિસ્તાર પ્રત્યે ઉદાસીનતાનો આરોપ લાગ્યો હોત.

કોંગ્રેસે એક વ્યૂહરચના હેઠળ રાહુલ ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે જેથી તેમના પર રાજ્યમાંથી ભાગી જવાનો આરોપ ન લગાવી શકાય અને પ્રિયંકા ગાંધીઅન્ય વિસ્તારોમાં પ્રચાર માટે પણ ઉપલબ્ધ રહે. પ્રિયંકા ગાંધી હવે ઉમેદવાર નહીં હોવાથી ભાજપ અને પીએમ મોદી માટે કોંગ્રેસ પર પરિવારવાદના આરોપો વધુ ઘેરા કરવા મુશ્કેલ બનશે. આથી જ ભાજપને ચૂંટણીમાં તક ન મળે તે માટે રાહુલ ગાંધીને અમેઠીની જગ્યાએ રાયબરેલી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *