શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાતા રોકાણકારોને જંગી નુકસાન થયું છે. મિડકેપ સ્મોલકેપ, બેંક નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટોરિયલ ઈન્ડાઇસિસ તૂટ્યા હતા.
શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇટ બન્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારે અફરાતફી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો હતો. બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ટોચથી ૧૬૦૦ પોઇન્ટ કરતા વધુ તૂટ્યો અને ૭૪૦૦૦ નીચે બંધ થયો છે, જે સપ્તાહની નીચી સપાટી છે. તો એનએસઇ નિફ્ટી પણ ૧૭૨ પોઇન્ટ તૂટ્યો છે. કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામ અને ઉંચા મથાળે પ્રોફિટ બુકિંગથી સ્ટોક માર્કેટ તુટ્યું છે. શેરબજારમાં મોટા કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે.
શેરબજાર સેન્સેક્સમાં હેવીવેઇટ્સ સ્ટોકમાં પ્રોફિટ બુકિંગથની માર્કેટ ઘટીને સપ્તાહની નીચી સપાટીએ બંધ થયું છે. બીએસઇ સેન્સેક્સ ૭૪૫૧૧ના બંધ સામે ઉંચા ગેપમાં શુક્રવારે ૭૫૦૧૭ ખૂલ્યો હતો અને ૭૫૦૯૫ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. જો કે ટ્રેડિંગ સેશનના શરૂઆતના કલાકમાં જ ઉંચા મથાળે હેવીવેઇટ્સ ઓટો, આઈટી અને બેન્કિંગ સ્ટોકમાં વેચવાલી નીકળતા માર્કેટ કકડભૂસ થયું હતું. ઇન્ટ્રા-ડે ટોચથી સેન્સેક્સમાં અધધધ ૧૬૨૮ પોઇન્ટનો કડાકો બોલાયો છે. સેશનના અંતે સેન્સેક્સ ૭૩૩ પોઇન્ટ તૂટી ૭૩૮૭૮ બંધ થયો છે, જે સપ્તાહની સૌથી નીચી સપાટી છે.
સેન્સેક્સની જેમ એનએસઇ નિફ્ટી અને બેંક નિફ્ટી તૂટ્યા છે. એનએસઇ નિફ્ટી ૧૭૨ પોઇન્ટ ઘટી ૨૨૪૭૫ બંધ થયો છે. તો બેંક નિફ્ટી ૩૦૭ પોઇન્ટની નુકસાનીમાં ૪૮૯૨૩ બંધ થયો છે.
ભારે વેચવાલીના માહોલમાં બીએસઇના તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં હતા. બીએસઇ મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ અડધા ટકા સુધી ઘટ્યા હતા. સેક્ટોરિયલ ઈન્ડાઇસિસમાં ટેક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ ઇન્ડેક્સ ૧ થી દોઢ ટકા જેટલા ઘટ્યા હતા.
આજે સેન્સેક્સના ૩૦માંથી ૬ શેર અને એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સના ૩૫ શેર ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના સૌથી વધુ ઘટેલા ૫ હેવીવેઇટ્સ શેરમાં લાર્સન ટુર્બો ૨.૭ %, મારુતિ ૨.૪ %, નેસ્લે ઈન્ડિયા ૨.૨ %, રિલાયન્સ ૨.૨ % અને ભારતી એરટેલ ૨ % તૂટ્યા છે. રિલાયન્સનો શેર ૨ % ઘટવાથી સેન્સેક્સને ૧૯૨ પોઇન્ટ અને એલ એન્ટ ડીથી ૧૦૨ પોઇન્ટનું નુકસાન થયું છે.