લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. ત્રીજા તબક્કામાં ૭ મી મેએ ૧૦ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશની ૯૩ બેઠકો પર મતદાન થશે. આ ૯૩ બેઠક પર મતદારોને રીઝવવા માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.
ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની ૧૦ લોકસભા સીટો પર મતદાન થવાનું છે. આ ૧૦ સીટોમાં સંભલ, હાથરસ, આગ્રા, ફતેહપુર-સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાયુન, અમલા અને બરેલી સીટ સામેલ છે. સૌ કોઈની નજર સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતી મૈનપુરી સીટ પર છે. સપાએ અહીંથી અખિલેશ યાદવની પત્ની રિપલ યાદવને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે. આ તબક્કામાં ગુજરાતની ૨૫ લોકસભા બેઠકો પર પણ મતદાન થશે. આ ઉપરાંત કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં ૧૧, મધ્ય પ્રદેશમાં ૯, છત્તીસગઢમાં ૭, બિહારમાં ૫, આસામ અને પશ્ચિમ બંગાળમાં ૪-૪ અને ગોવા, દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવની ૨-૨ બેઠકો પર પણ મતદાન થશે.