ઈરાને જહાજ સાથે પકડાયેલા ૧૭ ભારતીયોને મુક્ત કર્યા

ઈરાને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ MSC Ariesના સમગ્ર ક્રૂને મુક્ત કર્યા છે. ક્રૂમાં ૧૭ ભારતીયો સહિત ૨૫ લોકોનો સમાવેશ થાય છે. ભારતીય ક્રૂ મેમ્બર્સમાં એકમાત્ર મહિલા કેડેટ એન ટેસા જોસેફને ઈરાની સૈન્ય દ્વારા પહેલાથી જ મુક્ત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાયાને શુક્રવારે એસ્ટોનિયન વિદેશ મંત્રી માર્ગસ ત્સાહકાના સાથે ફોન પર વાત કરી હતી અને આ દરમિયાન તેમણે ક્રૂને મુક્ત કરવાની જાણકારી આપી હતી.

ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો

ભારતીય વિદેશ મંત્રાલયે સલાહ આપી છે કે જો ભારતીય લોકો ઈઝરાયેલ અને ઈરાનનો પ્રવાસ કરે છે તો તેઓએ સાવચેતી રાખવી જોઈએ અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ. વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું હતું કે ક્રૂમાં ભારતીય, ફિલિપિનો, પાકિસ્તાની, રશિયન અને એસ્ટોનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના પ્રાદેશિક જળસીમામાં જપ્ત કરાયેલા પોર્ટુગીઝ જહાજ અંગે અમીર અબ્દુલ્લાહિયાને વાતચીતમાં કહ્યું કે જહાજ તેના રડાર બંધ કરીને અમારા જળસીમાની સુરક્ષાને જોખમમાં મૂક્યું છે. તેથી તેને ન્યાયિક નિયમો હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

ભારતીય મહિલાને પહેલા જ મુક્ત કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, ૧૩ એપ્રિલે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોર્ટુગીઝ ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ MSC Ariesને જપ્ત કર્યું હતું, જેમાં કુલ ૨૫ ક્રૂ મેમ્બર હતા, જેમાંથી ૧૭ ભારતીય હતા. જો કે, ભારતીય ક્રૂ સભ્યોમાંથી એક, એક ભારતીય મહિલા, જહાજને જપ્ત કર્યાના થોડા કલાકો પછી મુક્ત કરવામાં આવી હતી, અને તે ૧૮ એપ્રિલના રોજ ઘરે પરત ફરી હતી. જે બાદ કાર્ગો શિપ પર ૧૬ ભારતીય ક્રૂ મેમ્બર હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *