ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 T-20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે 7 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઇન્ડિયા છેલ્લી 7 શ્રેણીથી T-20માં અજેય છે. ટીમે છેલ્લે ફેબ્રુઆરી 2019માં કાંગારૂ સામે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં શ્રેણી ગુમાવી હતી. જ્યારે ઇંગ્લેન્ડ સામે તો 2014થી બાઈલેટરલ શ્રેણી ગુમાવી નથી, પરંતુ T-20માં ભૂતકાળના રેકોર્ડ અને માભા કરતાં વર્તમાન ફોર્મ અને મોમેન્ટમનું વધુ મહત્ત્વ છે. ટેસ્ટ શ્રેણી પોતાના નામે કર્યા છે પછી યજમાન ફરી એકવાર સ્પિન-ટુ-વિન ફોર્મ્યુલા અપનાવી શકે છે.
રોહિત અને રાહુલ ઓપનિંગ કરશે
ભારત આ મેચમાં સિલેક્શનના ટેન્શન સાથે મેદાને ઊતરશે. પ્રથમ T-20 માટેની પ્લેઈંગ-11માં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ જ શ્યોરશોર્ટ સ્ટાર્ટર છે. બીજા ઓપનર માટે શિખર ધવન અને લોકેશ રાહુલ વચ્ચે રેસ જામી હતી. જોકે મેચના એક દિવસ પહેલાં વિરાટે પ્રેસ- કોન્ફરન્સમાં ક્લિયર કરી દીધું છે કે રોહિત અને રાહુલ ફર્સ્ટ ચોઈસ ઓપનર્સ છે, ધવન ત્રીજો ઓપનર છે. જ્યારે મિડલ ઓર્ડરમાં બે સ્થાન માટે ઋષભ પંત, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશાન વચ્ચે રેસ છે. આખી શ્રેણી દરમિયાન મિડલ ઓર્ડરમાં સ્પોટ માટે બધા ધુરંધરો વચ્ચે ઇન્ટેન્સ ફાઇટ જોવા મળશે.