લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ત્રીજા તબક્કામાં ૯૩ બેઠકો પર ૧૨૨૯ પુરુષ અને ૧૨૩ મહિલાઓ મળી કુલ ૧૩૫૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ત્રીજા તબક્કાનું મતદાન ૭ મેના રોજ થશે. જેમાં ૧૦ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૯૩ બેઠકો માટે મતદાન થશે. મતદાનનો સમય સવારે ૦૭:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીનો છે. ગુજરાતની ૨૫ બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ થતાં મતદાન તે બેઠક પર મતદાન થશે નહીં.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ ત્રીજા તબક્કામાં ૯૩ બેઠકો પર ૧૨૨૯ પુરુષ અને ૧૨૩ મહિલાઓ મળી કુલ ૧૩૫૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતમાં ભરુચ અને ભાવનગર બે બેઠકો જે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહ્યું છે એ બાદ કરતાં તમામ બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ ત્રીજો તબક્કો : સાત કેન્દ્રીય મંત્રી અને ચાર પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં
ત્રીજા તબક્કાના મતદાનમાં સાત કેન્દ્રિય મંત્રી અને ચાર પૂર્વ મુખ્યમંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. કેન્દ્રિય મંત્રીઓની વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, લઘુ મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે, સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી એસ પી સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પર્યટન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈક, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીનું ભાવિ ૭ મે ના રોજ ઈવીએમમાં કેદ થશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના બે પૂર્વ મુખ્યમંત્રીઓ શિવરાજ સિંહ ચૌહાણ અને દિગ્વિજય સિંહ તેમજ કર્ણાટકના બે પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઇ અને જગદીશ શેટ્ટાર મેદાનમાં છે.
પીએમ નરેન્દ્ર મોદી રાણીપમાં મતદાન કરશે
પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતમાં મતદાન કરશે. આ માટે પીએમ મોદી ગુજરાત આવી પહોંચ્યા છે અને રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. વડાપ્રધાન મોદી મંગળવારે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. જેથી સુરક્ષા ભાગરુપે ત્યાં સોમવારે SPG અને રાણીપ પોલીસ દ્વારા શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત રાણીપના મતદાન બુથ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.