કેજરીવાલને ફરી નિરાશા

જામીન મામલે સુનાવણી કરતી સુપ્રીમકોર્ટની બેન્ચે છેલ્લી ઘડીએ શું કર્યું.

કેજરીવાલને ફરી નિરાશા, જામીન મામલે સુનાવણી કરતી સુપ્રીમકોર્ટની બેન્ચે છેલ્લી ઘડીએ શું કર્યું, જુઓ

દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પડકારી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ દ્વારા કરાઈ હતી. જોકે આજે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર નિર્ણય આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે જામીન અંગે કોઈ નિર્ણય આપ્યો નથી. બેન્ચ છેલ્લી ઘડીએ ઉઠી ગઈ અને ચુકાદો અનામત રાખ્યો છે.

આ તપાસ બાબતે ED વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે જ્યારે અમે તપાસ શરૂ કરી ત્યારે અમારી તપાસ સીધી કેજરીવાલ સામે નહોતી, તેથી શરૂઆતમાં તેમને સંબંધિત એક પણ સવાલ પૂછવામાં આવ્યો ન હતો. પરંતુ તપાસ દરમિયાન તેની ભૂમિકા સામે આવી હતી.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા EDને ઘણા પ્રશ્નો પૂછ્યા. જેમાં કોર્ટે પૂછ્યું હતું કે ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી? કેજરીવાલ કેસમાં શું જોડવામાં આવ્યું છે? કેસમાં કાર્યવાહી અને ધરપકડ વચ્ચે આટલો લાંબો સમય કેમ લાગી રહ્યો છે?

એએસજી એસવીર રાજૂએ કહ્યું હતું કે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ૧૧૦૦ કરોડ રૂપિયા જોડવામાં આવ્યા છે. તેના પર કોર્ટે પૂછ્યું કે બે વર્ષમાં ૧૧૦૦ કરોડ રૂપિયા કેવી રીતે થઈ ગયા? તમે પહેલા કહ્યું હતું કે ૧૦૦ કરોડનો મામલો છે. આના પર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે લિકર પોલિસીના ફાયદાના કારણે આવું થયું છે. તેના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે આખી આવક ગુનાની આવક કેવી રીતે બની?

સુપ્રીમ કોર્ટે ઈડી પાસેથી અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલાની ફાઈલ પણ માંગી અને કહ્યું કે બે વર્ષથી તપાસ ચાલી રહી છે. કોઈપણ તપાસ એજન્સી માટે બે વર્ષ સુધી આ રીતે તપાસ ચાલુ રાખવી યોગ્ય નથી.

આ ઉપરાંત એસવી રાજુએ કહ્યું હતું કે અમને જાણવા મળ્યું કે ગોવાની ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલના 7-સ્ટાર હોટલમાં રોકાણના ખર્ચનો કેટલોક હિસ્સો દારૂની કંપનીઓ પાસેથી રોકડ લીધેલી વ્યક્તિએ ચૂકવ્યો હતો. કેજરીવાલને નિર્દોષ જાહેર કરનાર કોઈ આરોપી કે સાક્ષીના નિવેદનોમાં એક પણ નિવેદન નથી.

આ એક અસાધારણ સ્થિતિ છેઃ સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે અત્યારે ચૂંટણીની ચાલી રહી છે. આ એક અસાધારણ સ્થિતિ છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી છે. તેમની સામે કોઈ કેસ નથી. તેમના નિવેદનનો વિરોધ વ્યક્ત કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આવું માત્ર એટલા માટે ન થઈ શકે કારણ કે કોઈ સીએમ છે. શું આપણે નેતાઓ માટે અપવાદો બનાવીએ છીએ? શું ચૂંટણી માટે પ્રચાર વધુ મહત્વપૂર્ણ છે?

જસ્ટિસ ખન્નાએ કહ્યું કે આ અલગ મામલો છે. પાંચ વર્ષમાં એકવાર ચૂંટણી યોજાય છે. આ સામે એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓ સમન્સને છ મહિના માટે મુલતવી રાખતા હતા. જો તેમણે અગાઉ સહકાર આપ્યો હોત તો કદાચ ધરપકડ ન થઈ હોત.

શું છે મામલો?

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ ૨૧ માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે ૯ સમન્સ જારી કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે તેઓ જ કૌભાંડ આચર્યું છે તેમજ દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં તેઓ સીધા જ સંડોવાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *