બે દોષિતોને આજીવન કેદ.

પુણે: ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યાના ૧૧ વર્ષ બાદ આજે આજે શુક્રવારે પૂણે સ્થિત સ્પેશિયલ CBI કોર્ટે ચુકાદો આપ્યો છે. દાભોલકર હત્યા કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ અને બેને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે સચિન અંદુરે અને શરદ કાલસ્કરને આજીવન કેદ સજા સંભળાવી છે, કથિત રીતે બંને દોષિતો સનાતન સંસ્થા સાથે જોડાયેલા છે.
આ હત્યા કેસમાં કુલ 5 આરોપી હતા, જેમાંથી બે દોષિત અને ત્રણને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. પુણેની વિશેષ CBI કોર્ટે આરોપી સચિન અન્દુરે અને શરદ કાલસ્કરને દોષિત ઠેરવ્યા છે, કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે ડો.વીરેન્દ્ર સિંહ તાવડે, વિક્રમ ભાવે અને સંજીવ પુનાલકરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વીરેન્દ્ર તાવડેને દાભોલકર હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવતો હતો, જેને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.
મહારાષ્ટ્રના જાણીતા સમાજસુધારક નરેન્દ્ર દાભોલકરની ૨૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ઓમકારેશ્વર બ્રિજ પર મોર્નિંગ વોક કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ હત્યા કેસમાં પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે ૨૦ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, જ્યારે બચાવ પક્ષે બે સાક્ષીઓની તપાસ થઇ હતી. ફરિયાદ પક્ષે તેની અંતિમ દલીલોમાં કહ્યું હતું કે આરોપીઓ દાભોલકરના અંધશ્રદ્ધા સામેના અભિયાનનો વિરોધ કરતા હતા. પુણે પોલીસે આ કેસની શરૂઆતમાં તપાસ કરી હતી. બોમ્બે હાઈકોર્ટના આદેશને પગલે ૨૦૧૪ માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તપાસ સંભાળી હતી અને જૂન ૨૦૧૬ માં હિન્દુત્વવાદી સંસ્થા સનાતન સંસ્થા સાથે સંકળાયેલા ENT સર્જન ડૉ. વીરેન્દ્ર સિંહ તાવડેની ધરપકડ કરી હતી.
ફરિયાદ પક્ષ અનુસાર, તાવડે હત્યાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક હતો. તાવડે અને અન્ય કેટલાક આરોપીઓ સનાતન સંસ્થા સાથે સંકળાયેલા હતા. CBI અગાઉ તેની ચાર્જશીટમાં ભાગેડુ સારંગ અકોલકર અને વિનય પવારના નામ શૂટર્સ તરીકે આપ્યા હતા. પરંતુ CBIએ પાછળથી સચિન અન્દુરે અને શરદ કાલસ્કરની ધરપકડ કરી અને પૂરક ચાર્જશીટમાં દાવો કર્યો કે તેઓએ દાભોલકરને ગોળી મારી હતી. ત્યારબાદ, કેન્દ્રીય એજન્સીએ એડવોકેટ સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવેની કથિત સહ-ષડયંત્ર રચવાના આરોપસર ધરપકડ કરી હતી.