ચૂંટણી પ્રચાર વચ્ચે સોનિયા ગાંધીનું મોટું એલાન

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ચાલી રહેલા મતદાનની વચ્ચે સોનિયા ગાંધીનું નિવેદન, કોંગ્રેસની મહાલક્ષ્મી યોજના હેઠળ ગરીબ પરિવારની મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે.

હાલ દેશના અનેક રાજ્યોમાં લોકસભા ચૂંટણીને લઈ ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ચાલી રહેલા મતદાનની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિલાઓ માટે સંદેશ જાહેર કરીને કેન્દ્ર સરકારને ઘેરી છે. આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી હતી.

સોનિયા ગાંધીએ આજે એટલે કે સોમવારે ૧૩ મે, ૨૦૨૪ના રોજ એક વીડિયો સંદેશ બહાર પાડ્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામથી લઈને આધુનિક ભારતના નિર્માણ સુધી મહિલાઓએ મોટી ભૂમિકા ભજવી છે. આજે મહિલાઓ ભારે મોંઘવારીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં અમે ક્રાંતિકારી ગેરંટી લઈને આવ્યા છીએ. કોંગ્રેસની મહાલક્ષ્મી યોજના હેઠળ ગરીબ પરિવારની મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે.

અમારી ગેરંટી કર્ણાટક અને તેલંગાણામાં કરોડો પરિવારોની જિંદગી બદલી ચૂકી છે. મનરેગા હોય, શિક્ષણનો અધિકાર હોય કે ખાદ્ય સુરક્ષાનો અધિકાર હોય. અમારી આ યોજનાઓએ લાખો પરિવારોને શક્તિ આપી છે. આ કાર્યને આગળ ધપાવવા માટે મહાલક્ષ્મી અમારી નવીનતમ ગેરંટી છે. આ સાથે સોનિયા ગાંધીએ આશ્વાસન આપ્યું કે, આ મુશ્કેલ સમયમાં કોંગ્રેસનો હાથ તમારી સાથે છે. આ મુશ્કેલ સમયમાં કોંગ્રેસનો હાથ જ તમારી સ્થિતિને બદલી શકે છે. કોંગ્રેસે સોનિયા ગાંધીનો વીડિયો સંદેશ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *