ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની મિતાલી રાજે શુક્રવારે સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી વનડે મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂરા કરી લીધા છે. આવી સિદ્ધિ હાંસલ કરનાર તે ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ક્રિકેટર છે. મિતાલીએ શુક્રવારે મેચ દરમિયાન ૩૫ રન કરતાની સાથે જ પોતાના ક્રિકેટ કેરિયરમાં તેણે ૧૦,૦૦૦ રનનો જાદુઈ આંકડો પાર કરી લીધો હતો. મિતાલીએ પોતાની કારકિર્દીમાં ૪૬.૭૩ની સરેરાશથી ૧૦,૦૦૧ રન બનાવ્યા હતા. મિતાલી પહેલાં દુનિયામાં માત્ર એક જ મહિલા ક્રિકેટર છે જેણે ૧૦,૦૦૦ રન કરવાની સિદ્ધિ નોંધાવી છે. ઇંગ્લેન્ડની પૂર્વ સુકાની ચાર્લેટ એડવર્ડ્સના નામે આ રેકોર્ડ છે. તે દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર હતી જેણે આ સિદ્ધિ મેળવી હતી. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦,૨૭૩ રન બનાવ્યા છે. મિતાલીએ ૧૦,૦૦૧ રન બનાવ્યા છે. તે હવે ચાર્લેટથી ૨૭૨ રન પાછળ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં ચાર્લેટે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
વન ડેમાં મિતાલીના સૌથી વધુ રન
મહિલા વન-ડે ક્રિકેટમાં દુનિયામાં સૌથી વધુ રન બનાવવા મુદ્દે મિતાલી રાજ મોખરે છે. તેણે ૨૧૨ વન-ડેમાં ૫૦.૫૩ની સરેરાશ સાથેે ૬૯૭૪ રન બનાવેલા છે. બીજી તરફ તેણે ૮૯ ટી-૨૦ મેચમાં ૨૩૬૪ રન બનાવ્યા છે. તે માત્ર ૧૦ ટેસ્ટ રમી છે જેમાં તેણે ૬૬૩ રન બનાવ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે ૭૫ અડધી સધી અને ૮ સદી ફટકારી છે.
સચિન પછી સૌથી લાંબી વન-ડે કેરિયર
વિશ્વમાં સચિન તેંડુલકર પછી મિતાલી રાજ છે જે સૌથી લાંબી વન-ડે કેરિયર ધરાવે છે. સચિન તેંડુલકર ૨૨ વર્ષ ૯૧ દિવસ સુધી વન-ડે ફોર્મેટમાં હતો. મિતાલીને વન-ડે ફોર્મેટમાં ૨૧ વર્ષ ૨૫૪ દિવસ થયા છે. આ મુદ્દે તેણે જયસૂર્યાને પાછળ છોડી દીધો છે. જયસૂર્યા ૨૧ વર્ષ ૧૮૪ દિવસની કેરિયર ધરાવતો હતો. મિતાલી આ મુદ્દે પણ વિશ્વની એકમાત્ર મહિલા ખેલાડી છે.