૬૪ લોકોનું કરાયું રેસ્ક્યુ.
અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપની બાજુમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગના નવમા માળે આગ લાગી હતી. આગને કારણે બિલ્ડિંગમાં અને લિફ્ટમાં અનેક લોકો ફસાયા હતા. ત્યારબાદ અમદાવાદ ફાયર બ્રિગેડને આગ અને ફસાયેલા હોવાનો કોલ મળતા જ તાત્કાલિક પાંચથી વધુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કારણે કોમર્શિયલ બિલ્ડિંગમાં ફસાયેલા ૬૪ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
નવમાં માળે લાગેલી આગ ૧૦ અને ૧૧ મા માળે પ્રસરી હતી. જોકે, ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી. આગ લાગતા બિલ્ડિંગમાં રહેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આગની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા.
ફાયર વિભાગના જવાનોએ આગનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો એસીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું.