પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી. પીએમ મોદીએ નામાંકન સમયે પોતાનું ચૂંટણી સોગંદનામું પણ દાખલ કર્યું હતું. જેમાં તેમણે પોતાની પાસે રહેલી સંપત્તિ વિશે માહિતી આપી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ મે ૨૦૨૪ ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પીએમ મોદીએ નામાંકન સમયે પોતાનું ચૂંટણી સોગંદનામું પણ દાખલ કર્યું હતું. જેમાં તેમણે પોતાની પાસે રહેલી સંપત્તિ વિશે માહિતી આપી છે. એફિડેવિટ મુજબ પીએમ નરેન્દ્ર મોદી પાસે પોતાનું કોઇ ઘર નથી. આ સિવાય તેમની પાસે કોઇ કાર પણ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કુલ ૫૨,૯૨૦ રૂપિયાની રોકડ છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગાંધીનગર શાખામાં ૭૩,૩૦૪ રૂપિયા જમા છે. જ્યારે વારાણસી શાખામાં ૭૦૦૦ રૂપિયા જમા છે.
પીએમ નરેન્દ્ર મોદી પાસે છે ૨ કરોડની એફડી
પીએમ મોદીએ સોગંદનામામાં છેલ્લા ૫ વર્ષની આવક વિશે પણ માહિતી આપી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં તેમણે આઇટીઆરમાં પોતાની આવક ૧૧,૧૪,૨૩૦ રૂપિયા દર્શાવી હતી. તે જ સમયે ૨૦૧૯-૨૦ માં ૧૭,૨૦,૭૬૦ રૂપિયા, ૨૦૨૦-૨૧ માં ૧૭,૦૭,૯૩૦ રૂપિયા, ૨૦૨૧-૨૨ માં ૧૫,૪૧,૮૭૦ રૂપિયા અને ૨૦૨૨-૨૩ માં પીએમએ તેમની આવક ૨૩,૫૬,૦૮૦ રૂપિયા દર્શાવી હતી.
સોગંદનામા મુજબ પીએમ મોદી પાસે ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ ૨૪,૯૨૦ રૂપિયા રોકડા હતા અને ગઇકાલે એટલે કે ૧૩ મે ૨૦૨૪ના રોજ ૨૮ હજાર રૂપિયા રોકડા ઉપાડ્યા હતા. એટલે કે તેમની પાસે કુલ ૫૨,૯૨૦ રૂપિયાની રોકડ છે. પીએમ પાસે એસબીઆઈમાં કુલ ૨ કરોડ ૮૫ લાખ ૬૦ હજાર ૩૩૮ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ છે.
પીએમ મોદી પાસે ચાર સોનાના વીંટી પણ છે
પીએમ નરેન્દ્ર મોદી પાસે ૯,૧૨,૩૯૮ રૂપિયાના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પણ છે. પીએમએ પોતાના સોગંદનામામાં ચાર સોનાની વીંટી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ૪૫ ગ્રામ સોનાની કિંમતની આ વીંટીઓની કિંમત આશરે ૨,૬૭,૭૫૦ રૂપિયા છે. ચૂંટણી પંચમાં આપવામાં આવેલા એફિડેવિટ મુજબ પીએમ નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ ૩ કરોડ ૩ લાખ ૬ હજાર ૮૮૯ રૂપિયા છે.
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ ૧૯૬૭માં એસએસસી બોર્ડ, ગુજરાતમાંથી એસએસસી કર્યું હતું. ૧૯૭૮માં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. જ્યારે ૧૯૮૩માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.