ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. આ દરમિયાન ખડગેએ દેશના લોકતંત્ર અને બંધારણને બચાવવા પર જોર આપ્યુ.
ખડગેએ કહ્યું કે મે મારા ૫૩ વર્ષના કરિયરમાં આવું પહેલા ક્યારેય જોયુ નથી કે આટલી પાર્ટીઓ એક સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ૨૬ પાર્ટીઓ મળીને ચૂંટણી લડી રહી છે. તમે વિચારો કે લોકો સરકારથી કેટલા નારાજ છે. આ ચૂંટણી એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ દેશના ભવિષ્યને બચાવનારી ચૂંટણી છે. આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવા અને આપણા અધિકારીની રક્ષા કરનારી ચૂંટણી છે. આ ચૂંટણી સમાજના કમજોર વર્ગના અનામતની રક્ષા કરનારી ચૂંટણી છે અને આ જ અમારી ફરજ છે કેમ કે બંધારણ બચ્યુ તો આ અધિકાર બચશે.
ખડગેએ કહ્યું કે વિપક્ષના નેતાઓને ભાજપના લોકો ઉમેદવારી પત્ર ભરવાથી રોકી રહ્યા છે. અમારા પોલિંગ એજન્ટને પણ ડરાવી-ધમકાવી રહ્યા છે. મે હૈદરાબાદમાં જોયું કે ભાજપની એક મહિલા ઉમેદવાર મુસ્લિમ મહિલાઓના બુરખા ઉઠાવીને ઓળખ કરી રહી છે. શું આવી સ્થિતિમાં ચૂંટણી થાય છે? લોકોને ડરાવીને ચૂંટણી કરાવવામાં આવે છે પરંતુ તેમ છતાં અમે લડી રહ્યા છીએ. એક થઈને આગળ વધી રહ્યા છીએ. અમારો રિપોર્ટ જણાવે છે કે આ ચાર તબક્કામાં થયેલી ચૂંટણીમાં અમારું ગઠબંધન આગળ છે અને ભાજપ પાછળ છે.
આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ચોથા તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ભાજપના જુઠ્ઠાણાએ જેટલા પહાડ ચઢવાના હતા તેટલા ચઢી ચૂક્યુ, હવે ઉતરવાનું શરૂ થઈ ગયું છે. ભાજપ પોતાના જ ખોટા દાવામાં ફસાઈ ગઈ છે.
અખિલેશે કહ્યું કે ભાજપને ૪૦૦ પાર તો દૂર ૧૪૦ બેઠકો પણ નહીં મળે. ભાજપ દરેક લોકસભા વિસ્તારમાં અઢી લાખ વોટથી હારી રહી છે. જન સમર્થન INDIA એલાયન્સ માટે જનતામાં જોવા મળી રહ્યું છે, આગામી સમયમાં ૧૪૦ કરોડની જનતા તેમને ૧૪૦ બેઠક પર સમેટી દેશે.