જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ લોકસભા ચૂંટણી ૨૦૨૪ ચૂંટણી પૂર્વે ભાજપના પૂર્વ સરપંચની ગોળી મારી હત્યા કરી છે. તો જયપુરના બે પ્રવાસીઓ પર ગોળીબાર કરી ઘાયલ કર્યા હતા.

કાશ્મીરમાં લોકસભા ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા આંતકવાદીઓએ નિર્દોષ લોકો પર હુમલો કર્યો છે. બારામુલ્લા મતવિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચારના અંતના એક દિવસે પહેલા દક્ષિણ કાશ્મીરમાં બે આતંકવાદી હુમલાઓ થયા છે. જેમા જયપુરના એક દંપતી પર ગોળીબાર કર્યો હતો જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજા હુમલામાં ગોળીબારથી પૂર્વ સરપંચનું મૃત્યુ થયુ છે.
આંતકવાદીઓનો ચૂંટણી દરમિયાન ભય ફેલાવવાનો પ્રયાસ
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ નાપાક ષડયંત્ર રચ્યું અને નિર્દોષ લોકો પર હુમલો કર્યો છે. શનિવારે શોપિયાં અને અનંતનાગમાં આતંકવાદી હુમલાની ઘટનાઓને અંજામ આપીને ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આતંકવાદીઓએ અનંતનાગના જયપુરના નિવાસી ફરહા અને પત્ની તબરેઝને ગોળી મારીને ઘાયલ કર્યા હતા.
શોપિયામાં પૂર્વ સરપંચને ગોળી મારી હત્યા
શોપિયાંના હિરપોરામાં પૂર્વ સરપંચ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે સરપંચની હાલત ખૂબ જ નાજુક છે. મૃચક સરપંચનું નામ એજાઝ અહેમદ છે, જે ભાજપ નેતા હતા. પૂર્વ સરપંચ તેમના ઘરની અંદર હતા ત્યારે આતંકીઓએ ગોળીબાર કર્યો. હોસ્પિટલના સૂત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ આપી હતી કે અહમદ પર છ ગોળી મારવામાં આવી હતી.
આઈજીપી કાશ્મીરે કહ્યું કે નિઃશસ્ત્ર લોકોને નિશાન બનાવીને આતંકીઓ ઘાટીમાં શાંતિ લાવવાના અમારા પ્રયત્નોને રોકી શકતા નથી. અમારું સર્ચ ઓપરેશન કાશ્મીરના ત્રણેય પ્રદેશોમાં, ખાસ કરીને વિદેશી આતંકવાદીઓ વિરુદ્ધ એક સાથે ચાલુ રહેશે.
મહેબૂબા મુફ્તીએ ઉઠાવ્યા સવાલ
આતંકવાદી હુમલાની ઘટના પર ટિપ્પણી કરતા પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, અમે પહેલગામમાં આજે થયેલા હુમલાની નિંદા કરીએ છીએ, જેમાં બે પ્રવાસીઓ ઘાયલ થયા હતા અને આ પછી શોપિયાંના હિરપોરામાં એક પૂર્વ સરપંચ પર હુમલો થયો હતો.
મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે, આ હુમલાઓનો સમય ચિંતાનો વિષય છે, જ્યાં દક્ષિણ કાશ્મીર માં ચૂંટણી કોઈ કારણ વગર મોડી પડી હતી. આ પણ એક ચિંતાનો વિષય છે કારણ કે ખાસ કરીને ભારત સરકાર અહીં સતત સામાન્ય સ્થિતિના દાવા કરી રહી છે.
જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪નું મતદાન
શ્રીનગરમાં લગભગ ત્રણ દાયકામાં સૌથી વધુ ૩૮ % મતદાન થયાના થોડાક દિવસો બાદ આ આતંકવાદી હુમલા થયા છે. સામાન્ય રીતે બારામુલ્લામાં ૨૦ મેના રોજ મતદાન થયુ છે, તો અનંતનાગમાં (હવે નામ બદલીને અનંતનાગ-રાજૌરી છે) ૨૫ મેના રોજ મતદાન થવાનું છે.