લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં ૨૦ મેના રોજ મહારાષ્ટ્રની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળની ૭, બિહારની ૫, ઝારખંડની ૩, ઓડિશાની ૫, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની ૧-૧ બેઠક પર મતદાન યોજાશે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કામાં ૨૦ મેના રોજ ૬ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો પર મતદાન થશે. જેમાં હાઇપ્રોફાઇલ રાયબરેલી અને અમેઠી સીટનો સમાવેશ થાય છે. જ્યાંથી અનુક્રમે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની મેદાનમાં છે.
પાંચમાં તબક્કામાં ૪૯ બેઠકો પર મતદાન
૨૦ મેના રોજ મહારાષ્ટ્રની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન યોજાશે. પાંચમા તબક્કામાં સૌથી ઓછી બેઠકો (૪૯) પર મતદાન થવા જઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાની સાથે જ ઓડિશામાં વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થશે. પાંચમાં તબક્કામાં જે ૪૯ બેઠકો પર મતદાન થવાનું છે, તેમાંથી ૪૦થી વધુ બેઠકો એનડીએ પાસે છે.
આ દિગ્ગજો મેદાનમાં
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં અનેક મંત્રીઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થવા જઈ રહ્યું છે. આ તબક્કામાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કૌશલ કિશોર, સાધ્વી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ વર્મા અને યોગી સરકારના મંત્રી દિનેશ સિંહ જેવા ઉમેદવારો મેદાનમાં છે.
આ સિવાય પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર, મહારાષ્ટ્ર), શાંતનુ ઠાકુર (બોનગાંવ, પશ્ચિમ બંગાળ), ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર), ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (સરન, બિહાર) પણ મેદાનમાં છે.