ભારતમાં કોવિડના નવા વેરિયન્ટના ત્રણસોથી વધુ કેસ

સિંગાપોરમાં કેપી.૧ અને કેપી.૨ ના ૨૫ હજાર કેસ પછી  નવા વેરિયન્ટ કોવિડ વાયરસ મ્યુટેશનની સામાન્ય પ્રક્રિયા, દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં.

ભારતમાં કોવિડના નવા વેરિયન્ટના ત્રણસોથી વધુ કેસ

ભારતમાં સિંગાપોરમાં તાજેતરમાં આવેલા ઉછાળા સાથે સંકળાયેલા કોવિડના પેટા-વેરિયન્ટ કેપી.૨ના ૨૯૦ કેસ અને કેપી.૧ના ૩૪ કેસ મળી આવ્યા છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ જેએન.૧ના આ પેટા વેરિયન્ટ ગંભીર નથી અને તેનાથી દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી તેમજ કેસ ગંભીર નથી બન્યા. તેમણે જણાવ્યું કે વાયરસના આ મ્યુટેશન કુદરતી છે અને સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે.

ઈન્ડિયન સાર્સ કોવી-ટુ જેનોમિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી) સંવેદનશીલ સર્વેલન્સ સીસ્ટમ છે જે નવા વેરિયન્ટને પ્રારંભિક તબક્કામાં જ ઓળખી કાઢવા તેમજ ચેપની ગંભીરતામાં થતા કોઈપણ ફેરફાર પર દેખરેખ રાખવા હોસ્પિટલમાંથી સેમ્પલો એકત્ર કરવા સક્ષમ છે.

આઈએનએસએસીઓજીના ડાટામાંથી મળેલી માહિતી અનુસાર કેપી.૧ કેસ સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે જેમાં પશ્ચિમ બંગાળ ૨૩ કેસ સાથે સૌથી ટોચે છે. અન્ય રાજ્યોમાં ગોવા (૧), ગુજરાત (૨), હરિયાણા (૧), મહારાષ્ટ્ર (૪), રાજસ્થાન (૨) અને ઉત્તરાખંડ(૧) સામેલ છે.

કેપી.૨ કેસ વધુ પ્રમાણમાં ફેલાયા છે જેમાં મહારાષ્ટ્ર ૧૪૮ કેસ સાથે સૌથી ટોચે છે. કેપી.૨ નોંધાયા હોય તેવા અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી (૧), ગોવા (૧૨), ગુજરાત (૨૩), હરિયાણા (૩), કર્ણાટક (૪), મધ્ય પ્રદેશ (૧), ઓડિશા (૧૭), રાજસ્થાન (૨૧), ઉત્તર પ્રદેશ (૮), ઉત્તરાખંડ (૧૬) અને પ.બંગાળ (૩૬) સામેલ છે.

ઉલ્લેખનીય છે કે સિંગાપોર કોવિડ-૧૯ની નવી લહેરનો સામનો કરી રહ્યું છે. ૫મી મેથી ૧૧ મે સુધી અહીં તેના ટેકનીકલ ઘટકો પરથી ફ્લર્ટ તરીકે ઓળખાતા કેપી.૧ અને કેપી.૨ સાથેના ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા હતા. વૈશ્વિક સ્તરે કેપી.૧ અને કેપી.૨ સહિત જેએન.૧ અને તેના પેટા-વેરિયન્ટ મુખ્ય રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કેપી.૨ને નિરીક્ષણ રાખવા યોગ્ય વેરિયન્ટ તરીકે જાહેર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *